નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંકટના કારણે ઇન્ડિયન પ્રિમિયર લીગ આ વર્ષે રમાશે કે નહી તેને લઇને અનેક શંકાઓ છે. આ વચ્ચે રાજસ્થાન રોયલ્સના સીઇઓ રંજીત બરઠાકુરે કહ્યું કે, ફક્ત ભારતીય ક્રિકેટરો સાથે અને આઇપીએલમાં ઓછી મેચ કરીને રમાડવામાં આવશે તો તે પણ ઘણું ગણાશે. કોરોના મહામારીને કારણે આઇપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. જોકે, વર્તમાન પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે આ વર્ષે આઇપીએલને રદ કરવામાં આવી શકે છે.


આઇપીએલની 13મી સીઝનને લઇને બીસીસીઆઇએ અત્યાર સુધી કોઇ નિર્ણય લીધો નથી. વાસ્તવમાં આઇપીએલની શરૂઆત 29 માર્ચના રોજ થવાની હતી પરંતુ કોરોનાના કારણે 15 એપ્રિલ સુધી તેને સ્થગિત કરાઇ હતી. બરઠાકુરે પીટીઆઇને કહ્યું કે, અમે આઇપીએલને સિમિત કરવા અને ફક્ત ભારતીય ખેલાડીઓ સાથે રમાડવા પણ તૈયાર છીએ. જોકે, બીસીસીઆઇ પાસે દ્ધિપક્ષીય સીરિઝ રદ કરીને વર્ષના અંતમાં આઇપીએલ રમાડવાનો ઓપ્શન છે.