India vs England, 3rd Test, Rajkot: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી પાંચ ટેસ્ટ મેચની સીરિઝ પૈકીની ત્રીજી ટેસ્ટ શરૂ થશે. આ માટે ભારતીય ટીમનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. આ દરમિયાન આજે ભારતીય ક્રિકેટર આર અશ્વિને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશનની સોશિયલ મીડિયા પર મજા લીધી હતી.


આર અશ્વિને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ અને લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમના મીડિયા બોક્સનો ફોટો એક સાથે ટ્વિટ કર્યું હતું. એક તરફ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમનું વર્લ્ડ ક્લાસ મીડિયા બોક્સ છે તો બીજી તરફ SCA સ્ટેડિયમનું મોટું કપડું ઢાંકીને કામ કરાઇ રહ્યું છે તે મીડિયા બોક્સ છે. ગત 26 નવેમ્બરે ભારે પવન ફુંકાવાને કારણે મીડિયા બોક્સને નુકસાન થયું હતું ત્યારે 2 મહિના બાદ પણ હજુ સમારકામ પત્યું નથી. SCA સ્ટેડિયમનું મીડિયા બોક્સ લોર્ડ્સના મીડિયા બૉક્સથી પ્રેરિત થઈને બનાવાયું છે, ત્યારે અશ્વિનના આ ટ્વિટથી દુનિયાભરમાં SCA મજાકને પાત્ર બન્યું છે.






વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં 106 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ભારત માટે બીજી ટેસ્ટમાં કુલ ત્રણ વિકેટ લીધી હતી. આ મેચ દરમિયાન તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.


500 વિકેટથી એક કદમ દૂર છે અશ્વિન


અશ્વિન ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બન્યો હતો. તેણે આ મામલે પૂર્વ સ્પિનર ​​ભાગવત ચંદ્રશેખરને પાછળ છોડી દીધા છે. અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 21 ટેસ્ટમાં 97 વિકેટ લીધી છે. ચંદ્રશેખરે 1964 થી 1979 વચ્ચે 23 ટેસ્ટમાં 95 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડના બેન ડકેટને આઉટ કરીને તેણે ચંદ્રશેખરનો 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. હવે તે ઇંગ્લિશ ટીમ સામે 100 વિકેટ પૂરી કરવાથી માત્ર ત્રણ પગલાં દૂર છે. અશ્વિન પાસે વિશાખાપટ્ટનમમાં ચાર વિકેટ લઈને મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક હતી. તે 500 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની શક્યો હોત, પરંતુ એવું બન્યું નહીં. હવે તેના નામે 97 ટેસ્ટમાં 499 વિકેટ છે. હવે અશ્વિને 500 વિકેટ પૂરી કરવા ત્રીજી ટેસ્ટની રાહ જોવી પડશે.