India Vs South Africa: દક્ષિણ આફ્રિકા સામે 9 જૂનથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 સીરિઝ અગાઉ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમના કેપ્ટન બનાવાયેલ કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો છે. કેએલ રાહુલની ઇજાના કારણે પાંચ મેચની સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. આ સીરિઝ માટે બીસીસીઆઇએ ઋષભ પંતને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે સિવાય કુલદીપ યાદવ પણ ઇજાના કારણે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. 






કેએલ રાહુલની ઈજા અંગે હજુ સુધી વધુ માહિતી સામે આવી નથી. પરંતુ BCCIએ પુષ્ટિ કરી છે કે KL રાહુલ દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સીરિઝનો ભાગ નહીં હોય. જો કે કેએલ રાહુલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં સામેલ થશે કે નહી તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.


સીરિઝની શરૂઆત અગાઉ ઋષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે કેએલ રાહુલ નહીં રમે તેવી સ્થિતિમાં ટીમની કમાન ઋષભ પંતના હાથમાં રહેશે. જોકે, BCCI દ્વારા હજુ સુધી વાઇસ કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવી નથી.


રોહિત શર્માને પણ આ સીરિઝમાં આરામ અપાયો છે.


ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. રાહુલ સીરિઝમાંથી બહાર થતા ટીમ ઈન્ડિયાએ પોતાના ઓપનિંગ ઓર્ડરમાં પણ ફેરફાર કરવો પડશે. હવે ઈશાન કિશન સાથે ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગની જવાબદારી સંભાળી શકે છે.


નોંધનીય છે કે BCCIએ આ સીરીઝ માટે રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માને પહેલા જ આરામ આપી દીધો હતો. આ સિવાય વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં રમશે નહીં.