નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પ્રથમવાર વિરાટ કોહલીની વન-ડેની કેપ્ટનશીપ છીનવાયા બાદ મૌન તોડ્યું છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે આ નિર્ણય વિરાટ કોહલી અને રોહિત શર્મા બંન્ને માટે સારો બની શકે છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ અગાઉ બીસીસીઆઇએ વિરાટ કોહલીને વન-ડે કેપ્ટન પદેથી હટાવ્યો હતો અને તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપી હતી. રોહિત શર્મા હવે ટી-20 અને વન-ડે બંન્નેનો કેપ્ટન છે. કેપ્ટનને લઇને ઉભા થયેલા વિવાદ પર રવિ શાસ્ત્રીએ કહ્યું કે આગળ વધવાની આ યોગ્ય રીત હોઇ શકે છે. બંન્ને માટે આ સારુ છે કારણ કે કોરોનાના કારણે બાયો બબલની લાઇફમાં કોઇ એક વ્યક્તિ માટે ત્રણેય ફોર્મેટને હેન્ડલ કરવું સરળ નથી.
રવિ શાસ્ત્રીએ કહ્યું કે હવે વિરાટ કોહલી પુરી રીતે ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન રાખી શકશે અને લાંબા સમય સુધી ટીમની આગેવાની કરી શકે છે. વિરાટ પાસે પાંચ-6 વર્ષ બચ્યા છે એવામાં તે પોતાની રમતને લઇને વિચાર કરી શકે છે. નોંધનીય છે કે વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ બાદ કેપ્ટનશીપ છોડી દે છે પરંતુ જ્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત સમયે વિરાટ પાસેથી વન-ડેની કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી હતી. બાદમાં પ્રેસ કોન્ફ્રન્સમાં કોહલીએ કહ્યું કે તે વન-ડેની કેપ્ટનશીપ કરવા માંગતો હતો પરંતુ સિલેક્ટર્સે પોતાનો નિર્ણય લીધો છે. આ મામલે વિરાટ અને ગાંગુલીના નિવેદનો પણ વિરોધાભાસી રહ્યા હતા.