રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલા ટીમ માટે નવા હેડ કોચની નિમણૂક કરી છે. RCBએ સંજય બાંગરની જગ્યાએ એન્ડી ફ્લાવરને મુખ્ય કોચ બનાવ્યા છે. એન્ડી ફ્લાવરની અત્યાર સુધીની કોચિંગ કારકિર્દી શાનદાર રહી છે. આઈપીએલની સાથે તેણે પાકિસ્તાન સુપર લીગ, ઈન્ટરનેશનલ લીગ ટી20, ધ હંડ્રેડ અને અબુ ધાબી ટી10 ટીમોને કોચિંગ પણ આપ્યું છે. બાંગરનો આરસીબી સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો છે. તેની સાથે માઈક હેસને પણ ટીમે વિદાય આપી છે.
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ દિગ્ગજ એન્ડી ફ્લાવર આરસીબી પહેલા આઇપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ સાથે જોડાયેલા હતા. તેઓ લખનઉના મુખ્ય કોચ હતા. ફ્લાવરની કોચિંગ કારકિર્દી સારી રહી છે. તેમને 2007માં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો આસિસ્ટન્ટ કોચ બનાવવામાં આવ્યા હતા. આ પછી તેઓ ઘણી ટીમો સાથે જોડાયા હતા. ફ્લાવર પીએસએલ ટીમ પેશાવર જાલ્મીના બેટિંગ કોચ રહી ચૂક્યા છે. તેઓ મુલ્તાન સુલ્તાનના મુખ્ય કોચ રહી ચૂક્યો છે. તેમને IPL ટીમ પંજાબ કિંગ્સના આસિસ્ટન્ટ કોચ પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ 2021માં લખનઉમાં જોડાયા હતા. લખનઉ સુપર જાયન્ટ્સે ફ્લાવરને મુખ્ય કોચની જવાબદારી સોંપી હતી.
મહત્વપૂર્ણ છે કે, RCBએ ટ્વિટર દ્વારા માહિતી આપી છે. ટીમે ટ્વીટ કરીને જણાવ્યું કે આઇસીસી ટી-20 વર્લ્ડકપ વિજેતા કોચ એન્ડી ફ્લાવરને ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. તેઓ ICC હોલ ઓફ ફેમમાં પણ રહી ચૂક્યા છે. આરસીબીએ ફ્લાવર્સની તસવીરો પણ ટ્વીટ કરી છે.
ગત સીઝનમાં ટીમ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરી શકી ન હતી. આ માટે મુખ્ય કોચ સંજય બાંગર અને ટીમ ડાયરેક્ટર માઈક હેસનને જવાબદાર માનવામાં આવ્યા હતા. આરસીબી ફ્રેન્ચાઇઝીએ હેસન અને બાંગરને હટાવી દીધા હતા. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ખેલાડી અને ગત સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરને ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા