નવી દિલ્હીઃ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં મંગળવારે રાત્રે ઈંગ્લેન્ડ લેજેન્ડ્સ અને ભારત લેજેન્ડ્સ વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 188 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી કેવિન પીટરસને 37 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે આક્રમક  75 રન બનાવ્યા હતા.


189 રનનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. 17 રન સુધીમાં જ સેહવાગ, કૈફ, સચિનની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતનો સ્કોર 99 રન પર છ વિકેટ થઈ ગયો ત્યારે મેચ એક તરફી બની જશે તેમ લાગતું હતું. પરંતુ સાતમી વિકેટ પડ્યા બાદ ઈરફાન પઠાણ અને મનપ્રીત ગોનીએ ધૂંઆધાર બેટિગ કરી હતી તેમ છતાં ઈન્ડિયા લેજેન્ડ્સ 7 વિકેટના નુકસાન પર 182 રન બનાવી શક્યું હતું અને 6 રનથી પરાજય થયો હતો.


કેવિન પીટરસનને તેની શાનદાર ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચમાં ઈરફાન પઠાણે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યુ હતું. તેણે 28 રનમાં 2 વિકેટ લેવાની સાથે અણનમ 61 રન બનાવ્યા હતા. તેમ છતાં મેચ જીતાડી શક્યો નહોતો. મેચ દરમિયાન સૌની નજર ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર હોગાર્ડ પર હતી.


રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ રમવા આવેલા હોગાર્ડનું વજન ખૂબ વધી ગયું હતું. તેમ છતાં તેની બોલિંગની ધાર એવીને એવી જ હતી. હોર્ગાર્ડે 2 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ ઝડપી લીધી હતી. તેણે ભારતના આક્રમક ઓનપર સેહવાગને 11 રનના સ્કોર પર પેવેલિયન મોકલીને ભારતને પ્રથમ ફટકો આપ્યો હતો.


હોગાર્ડે ઈંગ્લેન્ડ તરફથી 67 ટેસ્ટ અને 26 વન ડે મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 248 વિકેટ અને 32 વિકેટ ઝડપી છે. ટેસ્ટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં 7 વિકેટ છે અને ટેસ્ટમાં 7 વખત 5 વિકેટ લીધી છે. જ્યારે વન ડેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 49 રનમાં 5 વિકેટ છે.