નવી દિલ્હીઃ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં મંગળવારે રાત્રે ઈંગ્લેન્ડ લેજેન્ડ્સ અને ભારત લેજેન્ડ્સ વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 188 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી કેવિન પીટરસને 37 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે આક્રમક 75 રન બનાવ્યા હતા.
189 રનનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. 17 રન સુધીમાં જ સેહવાગ, કૈફ, સચિનની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતનો સ્કોર 99 રન પર છ વિકેટ થઈ ગયો ત્યારે મેચ એક તરફી બની જશે તેમ લાગતું હતું. પરંતુ સાતમી વિકેટ પડ્યા બાદ ઈરફાન પઠાણ અને મનપ્રીત ગોનીએ ધૂંઆધાર બેટિગ કરી હતી.
ભારતે છેલ્લી ત્રણ ઓવરમાં જીતવા માટે 58 રન કરવાના હતા. ઈરફાન પઠાણ 34 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 61 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જ્યારે ગોનીએ 16 બોલમાં 1 ફોર અને 4 છગ્ગા મારી 25 રને અણનમ રહ્યો હતો. જોકે તેમ છતાં ઈન્ડિયા લેજેન્ડ્સ 7 વિકેટના નુકસાન પર 182 રન બનાવી શક્યું હતું અને 6 રનથી પરાજય થયો હતો.
કેવિન પીટરસનને તેની શાનદાર ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચમાં ઈરફાન પઠાણે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યુ હતું. તેણે 28 રનમાં 2 વિકેટ લેવાની સાથે અણનમ 61 રન બનાવ્યા હતા. તેમ છતાં મેચ જીતાડી શક્યો નહોતો.