નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને યુસુફ પઠાણ (Yusuf Pathan) બાદ હવે સુબ્રમણ્યમ બદ્રીનાથ (S Badrinath) પણ કોરોનાગ્રસ્ત થયો છે. આ ખેલાડીએ પણ તાજેતરમાં સંપન્ન થયેલી વર્લ્ડ રોડ સેફ્ટી ટી-20 સીરિઝમાં (world road safety series) હિસ્સો લીધો હતો. બદ્રીનાથે ખુદ પોઝિટિવ (Corona Positive) આવ્યો હોવાની જાણકારી આપી હતી. હાલ તે ઘરમાં જ ક્વોરન્ટાઈન છે.


બદ્રીનાથે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, હું તમામ જરૂરી સાવધાની રાખી રહ્યો હતો અને નિયમિત રીતે ટેસ્ટ કરાવતો હતોય તેમ છતાં કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે. મારામાં હળવા લક્ષણ છે. હું તમામ પ્રોટોકોલનું પાલન કરીશ અને ઘર પર જ તમામથી અલગ રહી રહ્યો છું અને ડોક્ટરની સલાહ અનુસાર કામ કરી રહ્યો છું.


ત્રીજો ખેલાડી થયો સંક્રમિત


વર્લ્ડ રોડ સેફ્ટી ટી-20 સીરિઝમાં ઈન્ડિયા લેજેન્ડ્સ (India Legends)ના ત્રણ ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. આગળ જતાં વધુ ખેલાડીઓ પણ પોઝિટિવ આવે તેવી સંભાવના છે. બદ્રીનાથ પહેલા પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ પર કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.


કેવી છે બદ્રીનાથની કરિયર


બદ્રીનાથે 2018માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હતો. તેણે ભારત માટે બે ટેસ્ટ, સાત વન ડે અને એક ટી-20 ઈન્ટરનેશનલ રમી હતી. ટેસ્ટમાં તેણે 68 રન, વન ડેમં 79 રન અને ટી-20માં 43 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે આઈપીએલની 95 મેચ રમી છે. જેમાં 1441 રન બનાવ્યા છે.


ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર


આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 68,020 નવા કેસ અને 291 લોકોના મોત થયા છે. જ્યારે 32,231 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,20,39,644 થયા છે. જ્યારે 1,13,55,993 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,21,808 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,61,843 છે. દેશમાં કુલ 6,05,30,435 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.