મુંબઈઃ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વાતની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી છે. સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે, ડોક્ટરની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થયો છું. હું ટૂંકમાં જ હોસ્પિટલમાંથી ઠીક થઈને પરત ફરીશ. તમે બધા મારા માટે પ્રાર્થના કરી રહ્યા છો તેના માટે હું તમારો બધાનો આભાર માનુ છું. નોંધનીય છે કે, સચિન તેંડુલકર 27 માર્ચે કોરોના સંક્રમિત થયા હતા.






27 માર્ચે સચિને ટ્વીટ કરીને લખ્યું, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. ઘરના અન્ય સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું હોમ ક્વોરન્ટાઈન થયો છું અને ડોક્ટર્સ દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરી રહ્યો છું. મને મદદ કરનારા તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સનો હું આભાર માનું છું. તમારી કાળજી રાખજો.


સચિન તેંડુલકરની કેપ્ટનશિપમાં તાજેતરમાં ઇન્ડિયા લિજેન્ડ્સને વર્લ્ડ રોડ સેફ્ટી ટી 20 સિરીઝનો ખિતાબ જીત્યો હતો. 21 માર્ચે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ રમાઈ હતી. સચિને ફાઈનલ મેચમાં 30 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર આ ટૂર્નામેન્ટમાં ત્રીજી સૌથી વધુ રન બનાવનાર હતો. તેણે સાત મેચમાં ત્રણ અડધી સદીની મદદથી 233 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન, તેનો સ્ટ્રાઇક રેટ 139 ની આસપાસ હતો.


સચિને 200 ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે. જેમાં તેણે 51 સદી અને 68 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 248 રન નોટઆઉટ છે. જ્યારે 463 વન ડેમાં 18,426 રન ફટકાર્યા છે. વન ડેમાં તેણે 49 સદી અને 96 અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 200 રન છે. વન ડેમાં તેણે બેવડી સદી ફટકારાનારો પ્રથમ ક્રિકેટર છે.