નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 17 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે, હાલ બન્ને ટીમો વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાઇ રહી છે. પંતે એ ટીમ તરફથી તાબડતોડ સદી ફટકારતા જ ફરી એકવાર પંતની ટેસ્ટમાં જગ્યાને લઇને સોશ્યલ મીડિયા ચર્ચા છેડાઇ ગઇ. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ સીરીઝ માટે ભારત પાસે રિદ્ધિમાન સાહા અને ઋષભ પંત તરીકે બે વિકેટકીપર ઉપલબ્ધ છે.


ટેસ્ટ સીરીઝમાં પહેલા પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટરોએ પોતાની પ્લેઇંગ ઇલેવન બનાવી છે. આમાં સૌથી ખાસ સંજય માંજરેકરની છે. સંજય માંજરેકરના મતે ભારતીય ટીમમાં કયા વિકેટકીપરની દાવેદારી મજબૂત છે, તેને લઇને એક ટ્વીટ પણ કર્યુ છે.



સંજય માંજરેકરે પોતાના ટ્વીટમાં કહ્યું કે એડિલેડ ટેસ્ટમાં રિદ્વિમાન સાહાને વિકેટકીપિંગનો મોકો મળે. માંજરેકર અનુસાર ટેસ્ટ ક્રિકેટરમાં વિકેટકીપરનુ સિલેક્શન વિકેટકીપિંગની સ્કિલ પર થવુ જોઇએ. ટ્વીટર પર એક સવાલના જવાબમાં માંજરેકરે કહ્યું તમે સ્ટીવ સ્મિથ જેવા બેટ્સમેનનો એક કેચ છોડી દો છો તો પછી તે 200 બનાવી જાય છે. એટલા માટે સાહાને મોકો મળવો જોઇએ. ઓસ્ટ્રેલિયામાં ફાસ્ટ બૉલરો સામે એક બેસ્ટ વિકેટકીપરની જરૂર છે. એટલે સાહાને જ મોકો મળવો જોઇએ.



ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી વિકેટકીપિંગના મોરચે ઋષભ પંત અને રિદ્ધિમાન સાહા વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. પંત ન્યૂઝીલેન્ડ સામે ફેઇલ રહ્યો હતો, અને સાહા પીચ પર લાંબી ઇનિંગ રમવા માટે પણ સક્ષમ છે.