Sanju Samson And KL Rahul: એશિયા કપ 2023 માટે ભારત દ્વારા 17 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. આ ટીમમાં બીસીસીઆઇ દ્વારા કેટલાય મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ વખતે ભારતીય સ્ક્વૉડમાં લાંબા સમયથી ઈજામાંથી બહાર આવેલા કેએલ રાહુલને સામેલ કરવામાં આવ્યો છે. સાથે જ ટીમમાં સંજૂ સેમસનને સ્થાન આપવામાં આવ્યું છે, સંજૂને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે. આ ટીમને લઇને ભૂતપૂર્વ પાકિસ્તાની સ્ટાર દાનિશ કનેરિયાએ મોટું નિવેદન આપ્યુ છે, કનેરિયાએ દાવો કર્યો છે કે, કેએલ રાહુલને ટીમમાં સામેલ કરવાને બદલે રિઝર્વ ખેલાડી રાખવો જોઇએ, અને સંજૂને ટીમમાં સામેલ કરવો જોઇએ. 


દાનિશ કનેરિયાનું માનવું છે કે કેએલ રાહુલને બદલે સંજૂ સેમસનને ટીમમાં સામેલ કરવો જોઈતો હતો, અને કેએલ રાહુલને રિઝર્વ ખેલાડી તરીકે રાખવો જોઈતો હતો. પૂર્વ પાકિસ્તાની સ્ટારે કેએલ રાહુલના ટેસ્ટ અને આઈપીએલના પ્રદર્શન વિશે પણ વાત કરી હતી. તેને કહ્યું કે કેએલ રાહુલ ટેસ્ટ અને આઈપીએલમાં પણ નિષ્ફળ ગયો. કનેરિયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ વિશે વાત કરી હતી.


દાનિશ કનેરિયાએ કહ્યું, “કેએલ રાહુલ ટેસ્ટ ક્રિકેટમાં પરફોર્મ કરી શક્યો ના હતો, જેના કારણે તેને ટીમમાં પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું હતું. ત્યારબાદ તે IPLમાં પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તે ઇજાગ્રસ્ત થયો હતો અને જ્યારે તે સ્વસ્થ થયો ત્યારે તેને ફરી એકવાર ટીમમાં એન્ટ્રી મળી, આ યોગ્ય નથી. જો ટીમ ઈન્ડિયા રાહુલને બીજી તક આપે છે તો સંજૂ પણ ટીમમાં હોવો જોઈએ. રાહુલ રિઝર્વ ખેલાડી હોવો જોઈએ. કદાચ તે એટલું મોટું નામ બની ગયું છે કે તેઓ તેને છોડી શકતા નથી."


એશિયા કપની શરૂઆતી મેચો મિસ કરી શકે છે કેએલ રાહુલ - 
ઉલ્લેખનીય છે કે, કેએલ રાહુલ ઈજાના કારણે એશિયા કપની પ્રથમ કેટલીક મેચો ગુમાવી શકે છે. ટીમની જાહેરાત સમયે ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું હતું કે જુની ઈજા ઉપરાંત તેને થોડી નાની ઈજાઓ છે.


તકને અવસરમાં ફેરવી નથી શક્યો સંજૂ સેમસન - 
દાનિશ કનેરિયાએ વધુમાં કહ્યું કે સંજૂને ઘણી તકો મળી, જેનો તે ફાયદો ઉઠાવી શક્યો નહીં. તેને કહ્યું, “સંજૂ ફરી એકવાર ડ્રિંક્સ લઈને મેદાન પર જશે. ઘણા કહેશે કે તેની સાથે યોગ્ય વર્તન કરવામાં આવ્યું નથી, પરંતુ હું તેની સાથે સહમત નથી. તેને ઘણી તકો મળી, જેને તેને બંને હાથે પકડવી જોઈતી હતી. ટીમમાં રહેવા માટે તમારે પ્રદર્શન કરવું પડશે."