Cricketer Virender Sehwag Hits Hindenburg : ભારતીય બજારમાં મહત્વની ભૂમિકા અદા કરી રહેલા અદાણી ગ્રુપને લઈને 24 જાન્યુઆરીએ હિંડનબર્ગના અહેવાલ બાદ હલચલ મચાવી દીધી હતી. અદાણી ગ્રુપના શેર ગગડવા લાગ્યા છે. હિન્ડેનબર્ગના અહેવાલ બાદ વિશ્વના બીજા સૌથી ધનિક જૂથના વડા ગૌતમ અદાણી ટોપ-20માંથી બહાર થઈ ગયા છે અને તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે વિપક્ષ નરેન્દ્ર મોદી સરકાર પર આક્રમક સવાલો ઉઠાવી રહ્યા છે.  બીજી તરફ ગૌતમ અદાણીએ ખુદ સામે આવીને ખુલાસો આપવો પડ્યો હતો.


આ દરમિયાન પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે ભારતીય બજાર અને અદાણી ગ્રુપમાં સર્જાયેલા ભૂકંપને લઈને હિંડનબર્ગ પર આકરા પ્રહાર કર્યા છે. હિંડનબર્ગનું નામ લીધા વિના પૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે, યુરોપિયનો ભારતની પ્રગતિને સહન કરી શકતા નથી. એટલું જ નહીં, તેણે આ સમગ્ર મામલાને આયોજનબદ્ધ કાવતરું ગણાવ્યું છે. સહેવાગે ટ્વીટમાં લખ્યું હતું કે- ભારતની પ્રગતિ ગોરાઓથી સહન નથી થતી. ભારતીય બજારનું આ રીતે પતન એ ચતુરાઈપૂર્વક આયોજનબદ્ધ કાવતરું પ્રતિત થાય છે.






તેણે આગળ લખ્યું હતું કે- તમે ગમે તેટલી કોશિશ કરો, પરંતુ હંમેશાની જેમ ભારત મજબૂત બનશે. સેહવાગનું આ ટ્વીટ ગણતરીની મિનિટોમાં જ વાયરલ થવા લાગ્યું હતું. આ ટ્વિટ પર અનેક ફેન્સની પ્રતિક્રિયા પણ આવી રહી છે. જેમાંથી મોટાભાગના પોતાના હીરો સાથે સહમત પણ જોવા મળે છે. જાહેર છે કે, હિંડનબર્ગના રિપોર્ટની અસર એ હદે થઈ છે કે, અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેર લોઅર સર્કિટ પર આવી ગયા છે.


ગૌતમ અદાણી ગ્રૂપની નેટવર્થ પણ ખૂબ જ ઝડપથી ઘટી છે તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની છબી પણ ખરડાઈ છે. અદાણી જુથ 20 હજાર કરોડનો એફપીઓ લાવી રહ્યું હતું પરંતુ આ વિવાદ સામે આવતા તેણે આ એફપીઓને પણ મોકૂફ રાખવો પડ્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે, તે પોતે એફપીઓમાં રોકાયેલા રોકાણકારોના પૈસા પરત કરશે. છેલ્લા લગભગ બે અઠવાડિયાથી આ સમગ્ર મામલો ગરમાયો છે અને અદાણી ગ્રૂપના શેર 44%થી વધુ તૂટ્યા છે.