થાઈલેન્ડમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર ​​શેન વોર્નના મોતની તપાસ ચાલી રહી છે. સોમવારે થાઈલેન્ડ પોલીસે શેન વોર્નના પોસ્ટમોર્ટમ રિપોર્ટ વિશે બધાને જાણ કરી છે. પોલીસનું કહેવું છે કે શેન વોર્નનું મૃત્યુ કુદરતી છે, હજુ સુધી તેમાં કંઈ શંકાસ્પદ જણાયું નથી.


સોમવારે થાઈલેન્ડ પોલીસ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, 'પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો છે, જેમાં મેડિકલનો અભિપ્રાય છે કે શેન વોર્નનું મૃત્યુ કુદરતી રીતે થયું છે. પોલીસ ટૂંક સમયમાં વકીલો સાથે વાત કરશે.


52 વર્ષીય શેન વોર્ન રજાઓ ગાળવા થાઈલેન્ડ ગયો હતો. તેમના મૃત્યુના સમાચાર 4 માર્ચની સાંજે સામે આવ્યા હતા. શેન વોર્ન એક વિલામાં રહેતો હતો, જ્યાં તેને તેના રૂમમાં હાર્ટ એટેક આવ્યો હતો. શેન વોર્નને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું હતું.


થાઈલેન્ડ પોલીસે શરૂઆતમાં કોઈ ગેરરીતિનો ઈન્કાર કર્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવા કહ્યું હતું. પોલીસે શેન વોર્નના ત્રણ મિત્રોની પણ પૂછપરછ કરી હતી.


નોંધનીય છે કે, વોર્નના પરિવારે પોલીસને જાણકારી આપી છે કે, વોર્નને પહેલેથી જ અસ્થમા અને હાર્ટ સાથે જોડાયેલી તકલીફો હતી.કેટલાક દિવસો પહેલા વોર્ને હાર્ટની બીમારી અંગે ડોકટર સાથે પણ મુલાકાત કરી હતી.


આ પહેલા શેન વૉર્ન અચેતન અવસ્થામાં થાઇલેન્ડમાં પોતાના રૂમમાંથી બેભાન હાલતમાં મળ્યો હતો. તેને હાર્ટ એટેક આવ્યો હોવાની વાત પહેલાથી જ સામે આવી ચૂકી છે, અને હવે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.


થાઈલેન્ડ પોલીસનુ કહેવુ છે કે, વોર્નનુ જે વિલામાં મોત થયુ હતુ ત્યાંથી લોહી મળી આવ્યુ છે. શેન વોર્નની મોત બાદ સ્થાનિક પોલીસે નિવેદનમાં કહ્યુ હતુ કે, વિલામાં મોટા પાયે લોહીના ધબ્બા મળી આવ્યા છે. કદાચ સીપીઆર આપવાના કારણે શેન વોર્નના મોઢામાંથી લોહી નિકળ્યુ હોય તેવુ બની શકે છે.


થાઈલેન્ડ પોલીસના કહેવા પ્રમાણે શેન વોર્નને એટેક આવ્યો તે પહેલા તેમને છાતીમાં ભારે દુખાવો થઈ રહ્યો હતો.વિલામાં જ્યારે તે મળી આવ્યા ત્યારે તેમને સીપીઆર આપવામાં આવ્યો હતો.