Shane Warne Death: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્નનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે 52 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. વોર્ન થાઈલેન્ડમાં હતા અને ત્યાં તેને હાર્ટ એટેક આવ્યો, જે બાદ તેનું મૃત્યુ થયું. તાજેતરમાં તેણે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એશિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડની વિનાશક હારથી શેન વોર્ન નિરાશ હતો અને ઈંગ્લિશ ટીમને મદદ કરવા ઈચ્છતો હતો.
એશિઝમાં ઓસ્ટ્રેલિયા સામે 4-0થી મળેલી કારમી હાર બાદ ઈંગ્લેન્ડના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડને હટાવવામાં આવ્યા હતા. આ પછી, સ્કાય સ્પોર્ટ્સના ક્રિકેટ પોડકાસ્ટ પર કરેલી વાતચીતમાં શેન વોર્ને 26 ફેબ્રુઆરીએ કહ્યું, "ઇંગ્લેન્ડનો કોચ બનવાનો આ ખૂબ જ યોગ્ય સમય છે. મને લાગે છે કે હું આ કામ ખૂબ સારી રીતે કરી શકું છું. ઈંગ્લેન્ડમાં સારા ખેલાડીઓ છે. આ ટીમમાં ઘણું ઊંડાણ છે. પરંતુ તેમને કેટલીક મૂળભૂત બાબતો યોગ્ય રીતે સમજવાની જરૂર છે. મને ઈંગ્લેન્ડની ટીમનો કોચ બનવાનું ગમશે."
શેન વોર્નની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી હતીઃ
પોતાની 19 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં બોલને આંગળીઓ પર ડાન્સ કરાવનાર શેન વોર્નની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી હતી. 13 સપ્ટેમ્બર, 1969ના રોજ જન્મેલા શેન વોર્ને 1992માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે વર્ષો સુધી ક્રિકેટના તમામ ફોર્મેટ પર રાજ કર્યું. દિગ્ગજ બેટ્સમેન પણ વોર્નની ગુગલી સમજવામાં નિષ્ફળ જતા હતા. શેન વોર્ને ઓસ્ટ્રેલિયા માટે 145 ટેસ્ટ અને 194 વનડે રમી હતી. ટેસ્ટમાં તેની 708 વિકેટ છે. આ સાથે જ વોર્ને વનડેમાં 293 વિકેટ ઝડપી. વોર્ને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2007માં રમી હતી.
આ પણ વાંચોઃ