Shaun Marsh Retirement: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શોન માર્શે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે બિગ બેશ લીગમાં સિડની થંડર સામે તેની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી. માર્શે પોતાની કારકિર્દી દરમિયાન ઘણા યાદગાર રેકોર્ડ બનાવ્યા છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે. માર્શ એ ખેલાડી છે જેણે IPLની પ્રથમ સીઝનમાં ઓરેન્જ કેપ જીતી હતી.






માર્શ બિગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સ તરફથી રમી રહ્યો છે. તેણે મેલબોર્ન સ્ટાર્સ સામે રમાયેલી છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. માર્શે 49 બોલનો સામનો કરીને 64 રન બનાવ્યા છે. તેના પ્રદર્શનના આધારે મેલબોર્ન રેનેગેડ્સે 6 વિકેટે જીત મેળવી હતી. માર્શે હવે ખુલાસો કર્યો છે કે તે 17 જાન્યુઆરીએ સિડની થંડર સામે તેની કારકિર્દીની છેલ્લી મેચ રમશે. આ પછી નિવૃત્ત થશે.


IPLમાં રેકોર્ડ રહ્યો શાનદાર


માર્શની આઈપીએલ કારકિર્દી પણ શાનદાર રહી છે. તે IPLમાં માત્ર પંજાબ કિંગ્સ તરફથી રમ્યો હતો. તેણે 2008માં આઈપીએલમાં પોતાની ડેબ્યૂ મેચ રમી હતી અને ડેબ્યૂ સીઝનમાં જ ઓરેન્જ કેપ જીતી હતી. તે IPLમાં ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો છે. માર્શે 71 IPL મેચ રમી છે. આ દરમિયાન 2477 રન બનાવ્યા હતા. તેણે એક સદી અને 20 અડધી સદી ફટકારી હતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 115 રન રહ્યો છે.


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે 


માર્શની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તે પણ અસરકારક રહ્યો છે. તેણે 73 વન-ડે મેચમાં 2773 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 7 સદી અને 15 અડધી સદી ફટકારી છે. તેનો વન-ડેમાં શ્રેષ્ઠ સ્કોર 151 રન છે. તેણે 38 ટેસ્ટ મેચ પણ રમી હતી. આ દરમિયાન 2265 રન બનાવ્યા. તેનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 182 રન રહ્યો છે. આ દરમિયાન તેણે 6 સદી અને 10 અડધી સદી ફટકારી હતી. માર્શે પોતાની ડેબ્યૂ વનડે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા.