Australia Women vs India Women Pink Ball Test: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાના ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે મંધાનાએ સદી ફટકારી હતી. મંધાનાએ આજે ​​80 રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને 171 બોલમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી. મંધાના ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર પણ બની છે.


ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો વચ્ચે અહીંના કરારા ઓવલ મેદાન પર ગુલાબી રંગના બોલથી પહેલી જ વાર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે મેચના બીજા દિવસે ભારતની ઓપનર સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી હતી. મુંબઈનિવાસી અને 25 વર્ષની મંધાના ગઈ કાલે પહેલા દિવસની રમતને અંતે 80 રન સાથે નોટઆઉટ હતી. આજે તેણે વધુ 20 રન કરીને સદી ફટકારી હતી. 


ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર સ્મૃતિ ભારતની પહેલી મહિલા ક્રિકેટર બની છે. આ ડાબોડી બેટરે 171 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની પહેલી જ સદી છે.


સ્મૃતિ મંધાનાએ 170 બોલમાં 19 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાની આ પ્રથમ સદી છે. જોકે, સ્મૃતિએ પોતાની ઈનિંગની શરૂઆત ખૂબ જ ઝડપથી કરી હતી અને જ્યારે તે પોતાની અડધી સદી સુધી પહોંચી ત્યારે તે લગભગ 100 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહી હતી.


આજે વરસાદે મેચ અટકાવી ત્યારે ભારતીય મહિલા ટીમે પહેલા દાવમાં પાંચ વિકેટે 276 રન કર્યા હતા. સ્મૃતિ મંધાના 127 રન કરીને આઉટ થઈ હતી. તેનાં 216 બોલના દાવમાં 22 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. શેફાલી વર્મા 31, પૂનમ રાઉત 36, કેપ્ટન મિતાલી રાજ 30, યસ્તિકા ભાટિયા 19 રન કરીને આઉટ થઈ હતી.