Ganguly Launched Edu App: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બુધવારે ટ્વીટ કરીને હડકંપ મચાવી દીધી હતો. આજે કરેલા એક ટ્વીટમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ ગાંગુલીએ ચાહકોને કહ્યું કે, તેણે કંઈક નવું કરવાની યોજના બનાવી છે. ગાંગુલીના આ ટ્વિટ પછી સમાચાર વહેતા થયા હતા કે, સૌરવ ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છે. આ સાથે એવી પણ અટકળો લગાવવામાં આવી હતી કે, શું તે કોઈ રાજકીય પક્ષમાં જોડાશે? શું તેઓ ભાજપમાં જોડાશે?


આ છે ગાંગુલીનું આયોજનઃ
જો કે, હવે ગાંગુલીએ પોતે જ આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. ગાંગુલીએ કહ્યું છે કે, "મેં બીસીસીઆઈના પ્રમુક પદ પરથી રાજીનામું નથી આપ્યું. હકીકતમાં હું વિશ્વભરમાં એક નવી શિક્ષણ એપ્લિકેશન લૉન્ચ કરી રહ્યો છું. આ સિવાય બીજું કંઈ નથી." આમ સૌરવ ગાંગુલીના ટ્વીટનો અર્થ એ હતો કે, તેઓ આ એજ્યુકેશન એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યા છે.






ગાંગુલીએ લોકોનું સમર્થન માંગ્યુંઃ
ગાંગુલીએ કરેલી ટ્વીટર પોસ્ટમાં લખ્યું હતું કે, "વર્ષ 2022એ મારું ક્રિકેટમાં 30મું વર્ષ છે. મેં 1992માં રમવાનું શરૂ કર્યું, ત્યારથી આજ સુધી ક્રિકેટે મને ઘણું આપ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે મને તમારા બધાનો સાથ મળ્યો છે. હું દરેક વ્યક્તિનો આભાર માનું છું જેઓ મારી યાત્રાનો ભાગ બન્યા છે. મને ટેકો આપ્યો અને આજે હું જ્યાં છું ત્યાં પહોંચવામાં મદદ કરી. આજે હું કંઈક શરૂ કરવાનું વિચારી રહ્યો છું જે મને લાગે છે કે કદાચ ઘણા લોકોને મદદ કરશે. હું આશા રાખું છું કે જીવનના આ નવા અધ્યાયમાં તમે મારી સાથે રહેશો."


જય શાહે કરી હતી સ્પષ્ટતાઃ
ગાંગુલીના રાજીનામાના સમાચાર વહેતા થયા બાદ સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે, સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી રાજીનામું નથી. આમ જય શાહે સૌરવ ગાંગુલીના રાજીનામાના સામાચારને ફગાવ્યા હતા.