નવી દિલ્હીઃ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ જોહાનિસબર્ગમાં રમાઈ રહી છે. સીરિઝમાં 1-0ની લીડ લઈ ચુકેલી દક્ષિણ આફ્રિકા ટીમનું પલ્લુ બીજી મેચમાં પણ ભારે લાગી રહ્યું છે. પ્રથમ ઈનિંગમાં મોટા સ્કોર તરફ આગળ વધી રહેલી દક્ષિણ આફ્રિકા ટીમનો મધ્યક્રમ પૂરી રીતે ફેલ રહ્યો હતો અને શ્રીલંકાએ અંતિમ 8 વિકેટ 84 રનમાં જ ગુમાવી દીધી હતી.

દક્ષિણ આફ્રિકા તરફથી ડીન એલ્ગરે 127 અને વૈન ડેર ડૂસને 27 રનની ઈનિંગ રમી હતી અને ટીમનો સ્કોર 302 રન સુધી પહોંચાડ્યો હતો. આ મેચ દરમિયાન સીરિઝના પ્રસારણકર્તાએ વૈન ડેર ડુસેનની તુલના ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાથે કરી હતી. જે વાત ક્રિકેટ પ્રેમીઓને પસંદ ન પડી અને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ હતું.



પ્રસારણકર્તા સુપર સ્પોર્ટે સચિન અને વૈનની કરેલી તુલનાથી ક્રિકેટ ચાહકો ભડક્યા હતા. સુપર સ્પોર્ટે 31 વર્ષીય  ડુસેનની શરૂઆતની 6 મેચના આંકડા અને સચિનની આટલી મેચના આંકડા દર્શાવીને દક્ષિણ આફ્રિકન બેટ્સમેનને સચિનની સમકક્ષ બતાવવાની કોશિશ કરી હતી.



સચિન તેંડુલકરે 16 વર્ષની વયે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું, જ્યારે સાઉથ આફ્રિકાના વૈન ડેર ડુસેનની હાલ ઉંમર 31 વર્ષ છે. બ્રોડકાસ્ટરે બંનેની શરૂઆથની 6 મેચની સરખામણી કરી હતી. ડુસેન 6 મેચમાં 292 રન બનાવ્યા છે, જ્યારે સચિને 6 ટેસ્ટમાં 327 રન બનાવ્યા હતા. આ સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.



ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટના ભગવાનની કોઈ સાથે તુલના ન થઈ શકે તેમ કહ્યું હતું. જ્યારે  અમુક ફેન્સે આ વાતને બકવાસ ગણાવી હતી તો કોઈએ સચિન અને ડુસૈનની ઉંમર પર ધ્યાન આપવાની વાત કહી હતી.