SRH vs RR: સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદે નીતીશ રેડ્ડી અને ટ્રેવિસ હેડની અર્ધશતકની મદદથી 201 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે ટીમે 1 રનના સ્કોર પર જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસનની વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ વચ્ચેની 133 રનની ભાગીદારીએ આરઆરને જીતની નજીક લાવી દીધું હતું, તેમ છતાં ટીમ જીત નોંધાવી શકી ન હતી. યશસ્વી જયસ્વાલે 40 બોલમાં 67 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 7 ફોર અને 2 સિક્સર ફટકારી. રિયાન પરાગે 49 બોલમાં 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી, આ દરમિયાન તેણે 8 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.


 






શરૂઆતમાં 2 વિકેટ પડી ગયા બાદ પણ રાજસ્થાન રોયલ્સે પાવરપ્લે ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 60 રન બનાવ્યા હતા. જયસ્વાલ અને રિયાન પરાગની જોડી બોલરોને જોરદાર રીતે ફટકારી રહી હતી. આ દરમિયાન, 14મી ઓવરમાં જયસ્વાલ 67 રન બનાવીને ટી નટરાજનના બોલ પર આઉટ થયો હતો. પરંતુ પરાગ હજુ પણ ક્રિઝ પર ઊભો હતો. રાજસ્થાનનો સ્કોર 15 ઓવરમાં 157 રન હતો અને ટીમને છેલ્લી 5 ઓવરમાં 45 રનની જરૂર હતી. રિયાન પરાગ પણ 16મી ઓવરમાં આઉટ થઈ ગયો હતો, જેના કારણે મેચ ફસાવા લાગી હતી. રાજસ્થાનને છેલ્લી 2 ઓવરમાં 20 રનની જરૂર હતી અને હજુ 5 વિકેટ બાકી હતી. પહેલા શિમરોન હેટમાયર અને પછી ધ્રુવ જુરેલની વિકેટ પડતાની સાથે જ મેચ જીવંત થઈ ગઈ. રાજસ્થાનને છેલ્લા 6 બોલમાં 13 રન કરવાના હતા. મામલો એવા તબક્કે પહોંચી ગયો હતો કે રાજસ્થાનને 1 બોલમાં 2 રનની જરૂર હતી. ભુવનેશ્વર કુમારની ઓવરના છેલ્લા બોલ પર રોવમેન પોવેલ LBW આઉટ થયો હતો, જેના કારણે SRHએ 1 રનથી તેમનો વિજય સુનિશ્ચિત કર્યો હતો.


સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11 


પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનમોલપ્રીત સિંહ, હેનરિક ક્લાસેન(વિકેટકીપર), નીતિશ રેડ્ડી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો યાન્સેન, ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજન.


રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ-11 


સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને સંદીપ શર્મા.