ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. 26 માર્ચથી શરૂ થનારી ટુર્નામેન્ટ માટે તમામ ટીમોના ખેલાડીઓ ભારે પરસેવો પાડી રહ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ મુંબઈમાં ટીમના કેમ્પમાં જોડાયા છે. ઓરેન્જ આર્મીએ રવિવારે તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેનો સ્ટાર ફાસ્ટ બોલર ટી નટરાજન એક શાનદાર બોલથી સ્ટમ્પ તોડતો જોવા મળ્યો હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. કેન વિલિયમસનની આગેવાની હેઠળની હૈદરાબાદ 29 માર્ચે પુણેમાં રાજસ્થાન રોયલ્સ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. 'ઓરેન્જ આર્મી' તેની તૈયારીઓમાં કોઈ કસર છોડવા માંગતી નથી. ગત સિઝનમાં હૈદરાબાદનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, પરંતુ આ વખતે ટીમ નવા જોશ સાથે મેદાનમાં ઉતરશે.



વિશ્વની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગ માટે ખેલાડીઓ કેવી રીતે તૈયારી કરી રહ્યા છે તેની એક ઝલક આપતા, સનરાઇઝર્સ હૈદરાબાદે તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ડાબોડી ફાસ્ટ બોલર ટી નટરાજન પ્રેક્ટિસ સેશન દરમિયાન સ્ટમ્પ તોડતો જોવા મળ્યો હતો. ફ્રેન્ચાઇઝીએ વીડિયો શેર કર્યો અને લખ્યું, "જ્યારે તે તમારા પગના અંગૂઠાને કચડી રહ્યો નથી, ત્યારે તે સ્ટમ્પ તોડી રહ્યો છે!" તામિલનાડુના 30 વર્ષના ખેલાડી નટરાજને પોતાની શાનદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે, તેને ઓસ્ટ્રેલિયાના 2020-21 પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો, જ્યાં તેણે રમતના ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું.


ભારત માટે રમ્યા બાદ, નટરાજને  2021માં ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના માટે તેણે સર્જરી પણ કરાવી હતી. તેને ઈજાને કારણે તે IPL 2021ની મોટાભાગની મેચો ચૂકી ગયો હતો. તેણે 34.50ની એવરેજથી બે વિકેટ ઝડપી માત્ર બે મેચ રમી હતી. જો કે, હવે તે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને આઈપીએલ માટે તૈયાર છે. મેગા ઓક્શન પહેલા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો, પરંતુ હૈદરાબાદે તેને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કિંગ્સ ઈલેવન પંજાબ માટે 2017માં આઈપીએલ ડેબ્યૂ કરનાર ડાબા હાથના પેસર, અત્યાર સુધીમાં 24 આઈપીએલ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 34.40ની એવરેજ અને 8.23ના ઈકોનોમી રેટથી 20 વિકેટ લીધી છે.