Surykuamr Yadav Ankle Injury: સૂર્યકુમાર યાદવની પગના ઘૂંટીની ઇજા ગંભીર હોવાની વાત સામે આવી છે. સૂર્ય કુમારે તાજેતરમાં ટીમ ઇન્ડિયાને તેની કપ્તાની હેઠળ બેક ટુ બેક T20 શ્રેણીમાં જીત અપાવી હતી. આવી સ્થિતિમાં તે ફેબ્રુઆરી સુધી ક્રિકેટના મેદાનમાં પરત ફરી શકશે નહીં. એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.


સૂત્રોને ટાંકીને ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગયા અઠવાડિયે જ્યારે સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યો ત્યારે તેમના પગની ઘૂંટી સ્કેન કરવામાં આવી હતી. તેમાં ગ્રેડ-2 લેવલનું ટીયર (તિરાડ) મળી આવ્યું હતું. આવી સ્થિતિમાં ઈજાની ગંભીરતાને જોતા તે હવે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે થનારી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં.


T20 વર્લ્ડ કપની તૈયારીઓને ફટકો પડ્યો
ટી20 વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાન સીરીઝ ટીમ ઈન્ડિયાની છેલ્લી ટી20 સીરીઝ છે. ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે યોગ્ય સંયોજન શોધવા માટે ટીમ ઈન્ડિયા માટે આ એકમાત્ર શ્રેણી બાકી છે. આવી સ્થિતિમાં, આ શ્રેણીમાં સૂર્યાની ગેરહાજરીને કારણે, ભારતીય ટીમની T20 વર્લ્ડ કપની તૈયારીઓને ચોક્કસ અંશે નુકસાન થશે.


જોહાનિસબર્ગ T20માં ઈજા થઈ હતી
ત્રણ મેચની T20 સિરીઝની છેલ્લી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે સૂર્યને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં સૂર્યએ શાનદાર સદી ફટકારી હતી. આ પછી, જ્યારે સાઉથ આફ્રિકા બેટિંગ કરવા આવ્યું ત્યારે ત્રીજી ઓવરમાં પ્રોટીઝ બેટ્સમેન દ્વારા શોટ અટકાવ્યા બાદ બોલ ફેંકતી વખતે તેને આ ઈજા થઈ હતી.


આ પછી તેને ફિઝિયો દ્વારા તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. અહીં વાઈસ કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ બાકીની મેચમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 106 રનથી જીતી હતી અને સૂર્યકુમાર યાદવ 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો. મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં જ્યારે સૂર્યકુમાર યાદવને તેની ઈજા વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો કે હું ઠીક છું. હું ચાલી શકું છું. એટલે કે ઈજા બહુ ગંભીર નથી. જો કે, બાદ આ અંગે રિપોર્ટ કરવામાં આવતા ઈજા ગંભીર હોવાની વાત સામે આવી છે. તમને જણાવી દઈએ આગામી સમયમાં બે મોટી ઈવેન્ટ આવી રહી છે. એક ટી20 વિશ્વ કપ અને બીજી આઈપીએલ. આમ સૂર્ય કુમારના ઈજાગ્રસ્ત થવાથી તેમના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે.