IRE vs ENG, T20 WC: આઇસીસી ટી20 વર્લ્ડકપની સુપર 12 રાઉન્ડની આજની મેચમાં મોટો અપસેટ સર્જાયો છે. આજે ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડને 5 રનથી આયરલેન્ડ સામે હારનો સામનો કરવો પડયો છે. આ હારની સાથે જ ઇંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ખરેખરમાં, ઇંગ્લેન્ડ અને આયરલેન્ડની મેચમાં વરસાદી વિઘ્ન રહ્યુ, જેના કારણે મેચ ડીલે થઇ હતી. આયરલેન્ડને આ મેચમાં ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે 5 રનથી જીત મળી છે. સુપર 12ની ઇંગ્લેન્ડ અને આયરલેન્ડની આ મેચ મેલબૉર્નમાં રમાઇ હતી. 


ઇંગ્લેન્ડ અને આયરેલન્ડ વચ્ચેની આજની મેચ રોમાંચક હતી, આ મેચમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલી બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, પહેલા બેટિંગ કરવા ઉતરેલી આયરેલેન્ડની ટીમ 19.2 ઓવરોમાં 157 રન સમેટાઇ ગઇ હતી. આયરલેન્ડ તરફથી ટીમના કેપ્ટન એન્ડ્યૂ બાલબર્નીએ 47 બૉલમાં 62 રનોની ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. 


ઇંગ્લેન્ડની બેટિંગમાં ના દેખાયો દમ 
બીજી ઇનિંગમાં લક્ષ્યનો પીછો કરવા માટે બેટિંગમાં ઉતરેલી ઇંગ્લિશ ટીમમાં ખાસ કંઇ દમ ના દેખાયો. ઇંગ્લેન્ડની શરૂઆત મેચમાં એકદમ ખરાબ રહી. ઓપનિંગમાં આવેલા બેટ્સમેન જૉસ બટલર શૂન્ય રને પેવેલિયન ભેગો થયો, આ પછી એલેક્સ હેલ્સે 7 રન બનાવ્યા, ડેવિડ મલાને 35 રન અને બેન સ્ટૉક્સ 6 અને હેરી બ્રૂક્સ 18 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જોકે મેચમાં મોઇન અલીએ શાનદાર ઇનિંગ રમી હતી. મોઇન અલીએ 12 બૉલમાં 24 રન બનાવ્યા હતા, અને જીત માટે મહેનત કરી રહ્યો હતો, મોઇન અલીએ આ દરમિયાન 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. સાથે લિયામ લિવિંગસ્ટૉન 1 રન બનાવીને ક્રિઝ પર હતો. 


જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 14.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 105 રન બનાવીને રમી રહી હતી, તે સમયે વરસાદ પડ્યો અને મેચ અટકાવવી પડી હતી. બાદમાં એમ્પાયરોએ ડકવર્થ લૂઇસના નિયમો પ્રમાણે મેચને બંધ રાખી અને આયરલેન્ડને મેચમાં 5 રનથી જીત આપી દીધી હતી. આ જીત સાથે જ સુપર 12 રાઉન્ડમાં આયરેલન્ડને મોટો ફાયદો થયો છે અને ઇંગ્લેન્ડને નુકશાન થયુ છે. ખાસ વાત છે કે, રાઉન્ડ વનની મેચોમાં પણ આયરલેન્ડે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યુ હતુ.