Top 5 Opening Pairs: T20 ક્રિકેટમાં, પાવરપ્લેની 6 ઓવર મોટાભાગે રમતનું પરિણામ નક્કી કરે છે. આ એવી ઓવરો છે જે ટીમની ગતિ નક્કી કરે છે. જો આ 6 ઓવરમાં બેટિંગ કરનારી ટીમ 50+ સ્કોર કરે છે તો તે ટીમ મજબુત સ્થિતિમાં રહે છે. તો આ 6 ઓવરમાં બોલિંગ કરતી ટીમ એક અથવા બે વિકેટ ઝડપી લે છે અને 40 ની અંદર સ્કોર રોકે છે, તો મેચ પર તેની પકડ વધુ મજબૂત બને છે. આ રીતે કોઈપણ ટીમ માટે ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ખૂબ જ ખાસ બની જાય છે. જે ટીમમાં મજબૂત ઓપનિંગ જોડી છે તે ચોક્કસપણે વર્લ્ડ કપ જીતવાની દાવેદાર છે. ત્યારે આવો જાણીએ અત્યારે કઈ ટીમની ઓપનર જોડી કયા નંબર છે.
નંબર 1 પાકિસ્તાનઃ
ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પાસે શ્રેષ્ઠ ઓપનિંગ જોડી છે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની આ જોડી વિરોધી ટીમના બોલરો માટે મોટો પડકાર સાબિત થશે. છેલ્લા એક વર્ષમાં આ જોડીએ પણ પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કર્યા છે. T20 રેન્કિંગમાં બાબર આઝમ ત્રીજા ક્રમે અને રિઝવાન નંબર 1 પર છે.
નંબર 2 ભારત:
કેએલ રાહુલ અને રોહિત શર્મા છેલ્લા 5 વર્ષથી ટીમ ઈન્ડિયા માટે T20 ક્રિકેટમાં ધમાકેદાર ઓપનિંગ કરી રહ્યા છે. T20 વર્લ્ડ કપ પહેલાં આ બંને ખેલાડીઓએ પોતાના ફોર્મના સંકેત પણ આપ્યા છે. બંને ખેલાડીઓ 140+ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે. T20 રેન્કિંગ જોઈએ તો રાહુલ 14મા નંબરે અને રોહિત શર્મા 16મા ક્રમ પર છે.
નંબર 3 ન્યુઝીલેન્ડ:
માર્ટિન ગુપ્ટિલ અને ડેવન કોનવે આ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડના ઓપનર હશે. બંને ખેલાડીઓ હાલમાં T20 રેન્કિંગમાં ટોપ-10માં સામેલ છે. જ્યાં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવવાના મામલે ગુપ્ટિલ ત્રીજા સ્થાને છે. કોનવેની T20 બેટિંગ એવરેજ 47+ છે. માર્ટિન ગુપ્ટિલ અને ડેવન કોનવે ટી20 રેન્કિંગમાં અનુક્રમે 10મા અને 7મા ક્રમે છે.
નંબર 4 ઓસ્ટ્રેલિયાઃ
ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચ T20 વર્લ્ડ કપમાં યજમાન દેશ ઓસ્ટ્રેલિયા માટે ઓપનર હશે. બંને ખેલાડીઓની ઉંમર 35થી વધુ છે અને બંને બેટ્સમેનોને T20 ક્રિકેટનો ઘણો અનુભવ છે. બંને ખેલાડીઓ તેમની તોફાની બેટિંગ સ્ટાઈલ માટે જાણીતા છે. આ ખેલાડીઓની T20 રેન્કિંગની વાત કરીએ તો, એરોન ફિન્ચ 6 અને વોર્નર 48મા ક્રમે છે.
નંબર 5 શ્રીલંકાઃ
તાજેતરમાં એશિયા કપમાં ચેમ્પિયન બનેલી શ્રીલંકાની ઓપનિંગ જોડી આ મામલે નંબર-5 પર છે. પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસ સારા ફોર્મમાં છે અને તેમની ટીમ માટે નિર્ણાયક સમયે સારા રન બનાવી રહ્યા છે. ટી20 રેન્કિંગમાં પથુમ નિસાંકા 8માં ક્રમે અને કુસલ મેન્ડિસ 56માં નંબર છે.