Ravi Bishnoi: ટી20 ક્રિકેટને બૉલિંગમાં દુનિયાનો નવો જ બાદશાહ મળી ગયો છે, ટી20 ક્રિકેટને વિશ્વનો નવો નંબર-1 બૉલર મળ્યો છે. ભારતીય સ્પિનર ​​રવિ બિશ્નોઈ હવે ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં બૉલિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેને લાંબા સમયથી આ પદ પર રહેલા રાશિદ ખાનને પછાડ્યો છે. 


રવિ બિશ્નોઈના ખાતામાં અત્યારે 699 પૉઈન્ટ છે. તે રાશિદ ખાન (692) કરતા 7 રેટિંગ પોઈન્ટ આગળ નીકળી ગયો છે. આ યાદીમાં શ્રીલંકાના વાનિન્દુ હસરંગા (679) ત્રીજા સ્થાને, આદિલ રાશિદ (679) ચોથા સ્થાને અને મહિષ તીક્ષાના (677) પાંચમા સ્થાને છે, એટલે કે T20 ઈન્ટરનેશનલ બૉલરોની રેન્કિંગમાં સ્પિનરો ટોપ-5માં સ્થાન ધરાવે છે.


રવિ બિશ્નોઇને ઓસ્ટ્રેલિયા સીરીઝનો મળ્યો ફાયદો 
રવિ બિશ્નોઈને હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સીરિઝથી ઘણો ફાયદો થયો છે. આ સીરીઝમાં બિશ્નોઈએ શાનદાર બૉલિંગ કરી અને 5 મેચમાં 9 વિકેટ લીધી. ખાસ વાત એ છે કે આ સીરીઝમાં રનોના ભારે વરસાદ વચ્ચે તે નિયમિત રીતે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ પ્રદર્શન માટે તેને 'પ્લેયર ઓફ ધ સીરીઝ' તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.


17 ની બૉલિંગ એવરેજ અને 14ની સ્ટ્રાઇક રેટ 
રવિ બિશ્નોઈએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ સ્પિનરે ફેબ્રુઆરી 2022માં ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે તેની પહેલી જ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો. તેણે 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ બોલર T20માં સતત તબાહી મચાવી રહ્યો છે. બિશ્નોઈએ અત્યાર સુધીમાં 21 મેચ રમી છે અને તેણે 17.38ની બૉલિંગ એવરેજ અને 7.14ના ઈકોનોમી રેટથી કુલ 34 વિકેટ લીધી છે. તેનો બૉલિંગ સ્ટ્રાઈક રેટ 14.5 રહ્યો છે. એટલે કે તેણે દરેક 15મા બૉલમાં એક વિકેટ લીધી છે.