T20 World Cup India vs Pakistan: T20 વર્લ્ડ કપ 2022માં રવિવારે મહામુકાબલો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ માટે દરેક લોકો આતુર છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું અને આ વખતે ભારતીય ટીમ બદલો લેવાનો પ્રયાસ કરશે. આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનથી લઈને કેવું રહેશે હવામાન, અહીં તમને દરેક માહિતી મળશે.
બંને ટીમ તરફથી મહત્વના સમાચાર
મોહમ્મદ શમીએ ભારત માટે નેટ્સમાં ભારે પરસેવો વહાવ્યો છે અને કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે તે મેચ માટે તૈયાર છે. શમીની હાજરી ચોક્કસપણે ભારતની બોલિંગને મજબૂત બનાવશે. શુક્રવારે માથામાં થયેલી ઈજા બાદ શાન મસૂદ સંપૂર્ણ રીતે ફિટ છે અને બાબર આઝમે તેની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. જો કે, ફખર ઝમાન ઘૂંટણની ઈજામાંથી સાજો થયો નથી અને તે ઓછામાં ઓછી પ્રથમ બે મેચો ગુમાવશે.
ભારત-પાકિસ્તાનનો હેડ-ટુ-હેડ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 11 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાંથી ભારતે આઠ અને પાકિસ્તાને ત્રણમાં જીત મેળવી છે. T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે છમાંથી પાંચ મેચ જીતી છે.
ઓસ્ટ્રેલિયામાં કેવું રહ્યું છે બંને ટીમનું પ્રદર્શન?
પાકિસ્તાન ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી ચાર T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યું છે, પરંતુ તે એક પણ જીત્યું નથી. તેઓ ત્રણ મેચમાં હાર્યા છે, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નથી. ઓસ્ટ્રેલિયામાં ભારતનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તેણે અહીં રમાયેલી 12માંથી સાત મેચ જીતી છે, જ્યારે ચારમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચનું પરિણામ આવી શક્યું નથી.
હવામાન અપડેટ શું છે ?
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાનારી મેચ પર વરસાદનો ખતરો તોળાઈ રહ્યો હતો. જોકે, જેમ જેમ મેચ નજીક આવે છે તેમ તેમ આ ખતરો ઓછો થઈ રહ્યો છે. જ્યાં બે દિવસ પહેલા વરસાદની શક્યતા 80 ટકા હતી તે હવે ઘટીને 20 ટકા થઈ ગઈ છે.
કઈ ટીમ જીત મેળવી શકે છે ?
મેચ ખૂબ જ રોમાંચક રહેશે અને આમાં જેની બેટિંગ સારી હશે તે જ જીતશે. મજબૂત બોલિંગને કારણે પાકિસ્તાનને થોડી લીડ મળશે, પરંતુ જો ભારતનો ટોપ ઓર્ડર ચાલશે તો મેચ બરાબરી થશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે?
ભારત- રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.
પાકિસ્તાન - બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, હૈદર અલી, ઈફ્તિખાર અહેમદ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ અને શાહીન આફ્રિદી.