Tammy Beaumont Record: ઈંગ્લેન્ડની બેટ્સમેન ટેમી બ્યૂમોંટે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. ટેમી બ્યૂમોંટ 331 બોલમાં 208 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 27 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે ટેમી બ્યૂમોન્ટે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટેમી બ્યૂમોંટ મહિલા ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં બેવડી સદી ફટકારનારી ઈંગ્લેન્ડની પ્રથમ બેટ્સમેન બની ગઈ છે. આ મેચમાં ટેમી બ્યુમોન્ટ ઈંગ્લેન્ડના છેલ્લા બેટ્સમેન તરીકે આઉટ થઈને પેવેલિયન પરત ફરી હતી.
ઇંગ્લેન્ડે ઇનિંગ્સમાં 463 રન બનાવ્યા હતા
આ સાથે જ ઈંગ્લેન્ડે તેની ઈનિંગમાં 463 રન બનાવ્યા હતા. આ રીતે પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને 10 રનની લીડ મળી હતી. ટેમી બ્યૂમોંટ ઉપરાંત નાઈટ સિવર બ્રન્ટ, હીથર નાઈટ અને ડેનિયલ વ્યાટે શાનદાર ઇનિંગ્સ રમી હતી. નાઈટ સિવર બ્રન્ટ, હીથર નાઈટ અને ડેનિયલ વ્યાટે અનુક્રમે 78, 57 અને 44 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે તાહિલા મેકગ્રાએ 3 વિકેટ પોતાના નામે કરી હતી. ડાર્સી બ્રાઉન, એનાબેલ સધરલેન્ડ અને એલિસ પેરીને 1-1 સફળતા મળી હતી.
અત્યાર સુધીની આ ટેસ્ટ મેચમાં શું થયું ?
આ પહેલા ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 473 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સધરલેન્ડે શાનદાર સદીની ઇનિંગ રમી હતી. એનાબેલ સધરલેન્ડે 184 બોલમાં 137 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 16 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઈંગ્લેન્ડ તરફથી સોફી એસ્ક્લેટને સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. જ્યારે લોરેન બેલ અને લોરેન ફિલરને 2-2 સફળતા મળી હતી. કેટ ક્રોસને 1 સફળતા મળી. બંને ટીમો વચ્ચેની આ એશિઝ 2023 મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ રહી છે. એશિઝ 2023માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે માત્ર 1 ટેસ્ટ મેચ રમાશે.