Team India Wicket Keeper Dinesh Karthik: ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન અને મિસ્ટર ફિનિશર તરીકે પ્રખ્યાત દિનેશ કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસની સાથે ટીમના સાથી અને પરિવારના સભ્યો પણ છે. દિનેશ કાર્તિકે પોસ્ટ સાથે જે લખ્યું છે તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દિનેશ કાર્તિકની ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર કદાચ હવે ખતમ થવા જઈ રહી છે.


 દિનેશ કાર્તિકે શું લખ્યું


દિનેશ કાર્તિકે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કેપ્શન આપ્યું - સ્વપ્ન સાકાર થાય, T20 વર્લ્ડ કપ. દિનેશે આગળ લખ્યું કે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બનવું ગર્વની વાત છે. અમે ટુર્નામેન્ટ ભલે જીતી ન શક્યા હોય પરંતુ યાદો અમને આખી જીંદગી માટે વારંવાર ખુશ રહેવાની તક આપશે. હું મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, મિત્રો અને પ્રશંસકોનો આભાર માનું છું જેમણે હંમેશા મને સપોર્ટ કર્યો છે. તમિલનાડુના આ ક્રિકેટરે આ વસ્તુઓ સાથે એક એવી હિંટ આપી છે કે કદાચ તે હવે Team India ની બ્લૂ જર્સીમાં જોવા નહીં મળે. 37 વર્ષીય દિનેશ કાર્તિકની નિવૃત્તિને સમય ઘણો વહેલા થઈ ગયો હશે પરંતુ IPLમાં તેના જોરદાર પ્રદર્શનને કારણે તેને T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.


વર્લ્ડ કપમાં દેખાડી શક્યો નહોતો કમાલ


દિનેશ કાર્તિકની ટી-20 વર્લ્ડ કપ 2022 માટે પસંદગી કરવામાં આવી હતી અને તેને રિષભ પંતની જગ્યાએ મોટા ભાગની મચમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. દિનેશ કાર્તિક પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં વધુ પ્રદર્શન કરી શક્યો ન હતો અને સ્ટમ્પ આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકા સામે માત્ર 6 રન બનાવી શક્યો હતો. બાંગ્લાદેશ સામે નિર્ણાયક પ્રસંગે માત્ર 7 રન બનાવી શક્યો હતો. આ સિવાય કાર્તિકનું વિકેટ પાછળનું પ્રદર્શન સારું નહોતું રહ્યું. આ જ કારણ હતું કે સેમિફાઇનલ મેચ સહિત છેલ્લી બે મેચોમાં કાર્તિકની જગ્યાએ રિષભ પંતને તક આપવામાં આવી હતી. હવે કાર્તિકની આ પોસ્ટ સંકેત આપી રહી છે કે તે ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.




દિનેશ કાર્તિકની કરિયર


દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયા માટે 26 ટેસ્ટમાં 1025 રન બનાવ્યા છે. જ્યારે 94 વન ડેમાં 30.2ની એવરેજથી 1752 અને 60  ટી20 ઈન્ટરનેશનલમાં 142.6ના સ્ટ્રાઇક રેટથી 686 રન બનાવ્યા છે. આઈપીએલની 229 મેચમાં તેણે 132.6ના સ્ટ્રાઇક રેટથી 4376 રન બનાવ્યા છે.