Gautam Gambhir On Team India Head Coach Post: ભારતીય ટીમના મુખ્ય કૉચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડકપ બાદ સમાપ્ત થશે. તેથી ટીમ ઈન્ડિયા નવા મુખ્ય કૉચની શોધમાં છે. આ પહેલા રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર અને સ્ટીફન ફ્લેમિંગ જેવા નામો સામે આવ્યા હતા, પરંતુ વાત આગળ વધી ના હતી. આ અનુભવીઓએ તેમના અંગત કારણોસર ભારતીય મુખ્ય કૉચનું પદ સંભાળવામાં રસ દાખવ્યો ના હતો. જો કે આ પછી BCCI સેક્રેટરી જય શાહનું નિવેદન આવ્યું છે. જય શાહે કહ્યું કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કૉચ પદ માટે હજુ સુધી કોઈ ઓસ્ટ્રેલિયનનો સંપર્ક કરવામાં આવ્યો નથી. તેણે એમ પણ કહ્યું કે ભારતના મુખ્ય કૉચ તરીકે ભારતીય નામોને પ્રાધાન્ય આપવામાં આવશે.


ભારતીય ટીમના હેડ કૉચનું પદ સંભાળવા માટે ગૌતમ ગંભીર તૈયાર વળી, હવે ભારતીય ટીમના નવા મુખ્ય કૉચ સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કૉચનું પદ સંભાળવા માટે તૈયાર છે. જો કે, હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૌતમ ગંભીરને રાહુલ દ્રવિડના સ્થાને લેવામાં કોઈ વાંધો નથી. અગાઉ રાહુલ દ્રવિડના સ્થાને ભારતીય ટીમના મુખ્ય કોચ પદની રેસમાં VVS લક્ષ્મણને પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો, પરંતુ આ ખેલાડીએ રસ દાખવ્યો ના હતો. ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીર અત્યારે આઇપીએલમાં કોલકતા નાઇટ રાઇડર્સની ટીમ સાથે જોડાયેલો છે અને ત્યાં જબરદસ્ત કૉચિંગ આપી રહ્યો છે. 


વીવીએસ લક્ષ્મણ વચગાળાના કૉચની ભૂમિકા નિભાવશે... 
તમને જણાવી દઈએ કે વીવીએસ લક્ષ્મણ બેંગલુરુંમાં સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ડાયરેક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમજ જ્યાં સુધી રાહુલ દ્રવિડના સ્થાને નવા મુખ્ય કૉચનું નામ જાહેર ના થાય ત્યાં સુધી VVS લક્ષ્મણ વચગાળાના કૉચની ભૂમિકા નિભાવશે. વળી, ગૌતમ ગંભીર IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટરની ભૂમિકા ભજવી રહ્યો છે. અગાઉ ગૌતમ ગંભીર લખનઉ સુપર જાયન્ટ્સ સાથે સંકળાયેલો હતો. જોકે, રાહુલ દ્રવિડની ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની ગણતરી પ્રબળ દાવેદારમાં થઈ રહી છે.