KL Rahul Asia Cup 2023 Team India: ભારતે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું નથી. તે ઈજાના કારણે ટીમની બહાર છે. રાહુલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં પરત ફરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. પણ અત્યારે ફિટ થઈ શક્યો નથી. હવે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર રાહુલ એશિયા કપ 2023માં પણ રમી શકશે નહીં.  જસપ્રીત બુમરાહ પણ બહાર છે. પરંતુ તે ટૂંક સમયમાં પરત ફરે તેવી અપેક્ષા છે.


રાહુલ ઈજાના કારણે IPL 2023ની આખી સિઝન રમી શક્યો ન હતો. Crictractor પર પ્રકાશિત એક સમાચાર અનુસાર રાહુલ એશિયા કપ 2023માંથી પણ બહાર થઈ શકે છે. ઇજા બાદ રાહુલ સર્જરી માટે યૂકે  ગયો હતો. આ પછી તે રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી પહોંચ્યો હતો. અહીં તે ફિઝિયોથેરાપી પણ કરાવી રહ્યો છે. રાહુલની વાપસીની અપેક્ષા હતી. પરંતુ હાલ તે ફિટ થઈ શકયો નથી. આ કારણે રાહુલને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ન હતી.


ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ ઈજાના કારણે બહાર ચાલી રહ્યો છે. પરંતુ તેની વાપસી ટૂંક સમયમાં મેદાન પર થઈ શકે છે. ભારતીય ટીમ ઇચ્છે છે કે બુમરાહ 2023 વર્લ્ડ કપ પહેલા પરત ફરે. રિપોર્ટ અનુસાર બુમરાહ 70 ટકા ફિટ થઈ ગયો છે.


ઉલ્લેખનીય છે કે રાહુલ અત્યાર સુધીમાં 54 વનડે રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 1986 રન બનાવ્યા છે. રાહુલે 5 સદી અને 13 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 112 રન રહ્યો છે. રાહુલે 47 ટેસ્ટ મેચમાં 2642 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 7 સદી અને 13 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 119 રન રહ્યો છે. રાહુલે 72 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2265 રન બનાવ્યા છે. આમાં તેણે 2 સદી અને 22 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન રાહુલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 110 રન રહ્યો છે. 


12 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ -


ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત બુધવાર, 12 જુલાઈએ પ્રથમ ટેસ્ટ મેચથી થશે, જે ડૉમિનિકામાં રમાશે. આ પ્રવાસમાં બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ પછી 27 જુલાઈ, ગુરુવારથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. વળી, 5 મેચોની T20 સીરીઝ ગુરુવાર, 3 ઓગસ્ટથી શરૂ થશે, અને આ પ્રવાસની છેલ્લી મેચ 13 ઓગસ્ટ, શનિવારે રમાશે.


મોબાઇલ પર કઇ એપ પરથી જોઇ શકાશે ફ્રીમાં મેચો -


ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર એ છે કે ભારતીય ફેન્સ આ ટૂરમાં તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકશે. ફેનકૉડ પાસે ભારતમાં વેસ્ટ ઈન્ડિઝની મેચોનું લાઈવ પ્રસારણ કરવાનો અધિકાર છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Viacom18 એ ડિજિટલ બ્રૉડકાસ્ટ માટે ફેનકૉડ સાથે પાર્ટનરશીપ કરી છે. આથી ફેન્સ Jio સિનેમા એપ પર પણ મેચ જોઈ શકશે. વળી, ટીવી પ્રસારણ માટે ફેનકૉડ અને ડીડી સ્પૉર્ટ્સ વચ્ચે વાતચીત ચાલી રહી છે.