India vs South Africa T20 Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 સીરીઝ રમાઈ રહી છે. પાંચ મેચોની આ સીરીઝમાં અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં ભારત હારી ગયું છે. ટીમ ઈન્ડિયા દિલ્હીમાં 7 વિકેટથી અને કટકમાં 4 વિકેટથી મેચ હારી ગઈ હતી. આ સીરીઝમાં હવે ત્રણ મેચ બાકી છે. ભારતીય ટીમ આ સીરીઝમાં રોહિત શર્મા વગર જ રમવા મેદાનમાં ઉતરી છે અને રોહિતની જગ્યાએ ઋષભ પંતને ટીમનું નેતૃત્વ સોંપાયું છે.
રોહિત ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓમાંનો એક છે. વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિતને ટીમ ઈન્ડિયાનું નેતૃત્વું સોંપાયું છે. પરંતુ રોહિત આઈપીએલ 2022 પછી બ્રેક ઉપર છે. જેના કારણ કે, કેએલ રાહુલને જવાબદારી સોંપાઈ હતી. પરંતુ રાહુલ ઈજાગ્રસ્ત થતાં સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાંથી બહાર થઈ ગયો હતો. ત્યાર બાદ ઋષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ પંત માટે ઈન્ટરનેશનલ ટી20 મેચોમાં કેપ્ટન તરીકેનું ડેબ્યુ ખરાબ રહ્યું છે અને તેણે શરુઆતની બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ભારતીય ટીમે આ વર્ષે રોહિતની હાજરીમાં 11 મેચોમાં જીત મેળવી છે. જ્યારે રોહિતની ગેરહાજરીમાં ભારતીય ટીમે 7 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિતની કપ્તાનીમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ તેની ગેરહાજરીમાં સારી બેટિંગ હોવા છતાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાનું દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી 7 મેચોમાં પ્રદર્શન સારું નથી રહ્યું. ભારતે દક્ષિણ આફ્રિકા સામે રમેલી છેલ્લી 7 મેચો હારી છે.