નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે સારા સમાચાર છે. તેઓ જલદીથી ખેલાડીઓને મેદાન પર રમતા જોઈ શકે છે.  હાલ નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે ભારતીય ટીમે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ રમવાની છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે યુએઈમાં આઈપીએલ પહેલા ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝ રમાઈ શકે છે.


મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ આઈપીએલની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાને ઈન્ટરનેશનલ સીરિઝ રમતા જોવા માંગે છે. બોર્ડની પ્રથમ પ્રાથમિકતા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટવેન્ટી ટ્વેન્ટી મેચની સીરિઝ રમવાની છે. બંને વચ્ચે પહેલા ઓગસ્ટમાં ટી-20 શ્રેણી રમાવાની હતી પરંતુ તેને રદ્દ કરી દેવામાં આવી હતી.

આઈપીએલ શરૂ થવામાં હજુ બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે તેથી દક્ષિણ આફ્રિકા સાથે સીરિઝના આયોજનમાં કોઈ મુશ્કેલી નહીં પડે. બીસીસીઆઈ પહેલા જ ક્રિકેટર્સને ઓગસ્ટમાં યુએઈ મોકલવાનું મન બનાવી ચુકી છે. ભારતીય ટીમના ખેલાડીઓ એક મહિનાની પ્રેક્ટિસ દ્વારા જૂનો લય પાછો મળવે તેમ બીસીસીઆઈ ઈચ્છે છે.

ટીમ ઈન્ડિયાએ માર્ચમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસેથી પરત ફર્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી નથી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે માર્ચ મહિનામાં રમાનારી ત્રણ મેચની વન ડે સીરિઝ કોરોના વાયરસના કારણે રદ્દ કરી દેવામાં આવી હતી. જે બાદ બોર્ડે ડિસેમ્બર સુધીની તમામ ઈન્ટરનેશનલ સીરિઝ રદ્દ કરી દીધી હતી.