નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ગણના વિશ્વના મહાન કેપ્ટનમાં થાય છે. અનેક વખત ધોની તેની નિર્ણાયક કેપ્ટનશિપથી ટીમને જીત અપાવી છે. ધોની આશરે એક વર્ષથી ટીમમાંથી બહાર છે અને વર્તમાનમાં તેનું સ્થાન કેએલ રાહુલ અને રિષભ પંતે લીધું છે. પરંતુ ટીમના મુખ્ય સ્પિનર કુલદીપ યાદવને આજે પણ માહીની ખોટ સાલે છે. કુલદીપે કહ્યું કે, ધોનીના જવાથી મારો આત્મવિશ્વાસ પણ જતો રહ્યો છે.

કુલદીપે ક્રિકઈન્ફોના કાર્યક્રમ ક્રિકેટબાજીમાં કહ્યું, મેં જ્યારે કરિયરની શરૂઆત કરી હતી ત્યારે હું પિચને પારખી શકતો નહોતો. ધોની સાથે રમ્યા બાદ હું આ શીખ્યો. તે વિકેટ પાછળથી બોલને ક્યાંથી સ્પિન કરાવવાનો છે તે જણાવતો હતો.

તેણે આગળ કહ્યું, માહી ભાઈ ફિલ્ડિંગ ગોઠવવામાં એક્સપર્ટ હતા. તેમને પહેલાથી જ ખબર પડી જતી કે બેટ્સમેન કયો શોટ રમવાનો છે અને તે પ્રમાણે ફિલ્ડિંગ ગોઠવતા હતા. ધોનીની સાથે મને વિશ્વાસ સાથે બોલિંગ કરવામાં મદદ મળી. જ્યારથી તે ટીમમાંથી ગયો છે ત્યારથી મારો આત્મવિશ્વાસ પણ જતો રહ્યો છે.

યુઝવેન્દ્ર ચહલ સાથે પોતાના બોન્ડિંગ પર કુલદીપે કહ્યું કે, તેણે હંમેશા એક મોટાભાઈની જેમ મારું ધ્યાન રાખ્યું છે. તે હંમેશા મને સલાહ આપતો રહે છે. અમારી વચ્ચે ક્યારેય હરિફાઈ નથી રહી. વિકેટની પાછળ એમએસ ધોની હોવાથી અમને બંનેને ઘણી મદદ મળતી હતી.