અમદાવાદ:  અમદાવાદમાં સતત વરસાદને કારણે આજે મેચ થઈ શકી નથી.    મોડી રાત્રે 11 વાગ્યે વરસાદ બંધ થયો, પરંતુ મેદાન  રમવા યોગ્ય બનાવવામાં ઓછામાં ઓછો એક કલાક લાગશે. જો તે પછી મેચ હોત તો બંનેને પાંચ-પાંચ ઓવર જ મળી હોત. બંને ટીમના કોચ અને કેપ્ટન સાથે વાત કર્યા બાદ અમ્પાયરોએ આજની મેચ સ્થગિત કરી દીધી હતી. હવે સોમવારે   7:30 વાગ્યાથી રિઝર્વ ડે પર મેચ રમાશે. નવ વાગ્યે વરસાદ બંધ થઈ ગયો હતો અને મેદાન લગભગ રમવા યોગ્ય હતું, પરંતુ વરસાદ ફરી આવ્યો હતો. જે બાદ રાત્રે 11 વાગ્યે વરસાદ બંધ થઈ ગયો હતો. અમદાવાદ શહેરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે આજે IPLની ફાઈનલ મેચ મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આ મહામુકાબલો આવતીકાલે સોમવારે રમાશે.

  


ચેન્નાઇ વિરુદ્ધ ગુજરાત હેડ ટૂ હેડ - 


ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આઈપીએલમાં અત્યાર સુધીમાં ચારવાર આમને-સામને આવી ચૂકી છે, જેમાં ગુજરાત 3 અને ચેન્નાઈએ માત્ર એક જ મેચ જીતી છે. IPL ની 2023ની પ્રથમ લીગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત 5 વિકેટે જીત્યું હતું.


ચેન્નાઇ વિરુદ્ધ પ્લેઓફમાં ગુજરાતની થઇ હતી હાર  - 


બંને વચ્ચે રમાયેલી કુલ ચાર મેચોમાં 3 લીગ અને 1 પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. ગુજરાતે ત્રણેય લીગ મેચો જીતી છે, જ્યારે ચેન્નાઈની ટીમ પ્લેઓફ મેચ જીતવામાં સફળ રહી છે. બંને વચ્ચે 23 મેએ ક્વૉલિફાયર-1 મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 રને જીત મેળવી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.


10મી વાર ફાઇનલ રમશે ચેન્નાઇ 


ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની 10મી વાર ફાઈનલ મેચ રમશે. અગાઉ રમાયેલી નવ ફાઈનલ મેચોમાં ચેન્નાઈએ ચારમાં જીત મેળવી છે અને પાંચ ટાઈટલ મેચ હારી છે. બીજીબાજુ પોતાની બીજી સિઝન રમી રહેલી ગુજરાતની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. અગાઉ IPL 2022ની ફાઇનલમાં ગુજરાતે વિજય મેળવીને ટાઈટલ જીત્યું હતું. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત અને ચેન્નાઈમાં આ વખતે કઈ ટીમ જીતે છે.