બેંગલુરૂઃ ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી મહાન સ્પિનરોમાં એક ભગવત ચંદ્રશેખરને હળવો સ્ટ્રોક આવતાં હૉસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પરિવારે જણાવ્યું કે, તેમની સ્થિતિમાં સુધારો થયો છે અને કેટલાક દિવસમાં તેમને રજા મળી જશે. ચંદ્રશેખરની પત્ની સંધ્યા ચંદ્રશેખર ભાગવતે કહ્યું કે, તેમની તબિયતમાં સુધારો થયો છે અને તેઓ બુધવાર કે ગુરૂવારે ઘરે પરત ફરશે.

ચંદ્રશેખર ગણના ભારતના સૌથી મહાન ક્રિકેટરો અને મેચ વિનર્સ બોલરોમાં થાય છે. ભારતીય ક્રિકેટ ટીમ વિદેશની ધરતી પર જીતી નથી શકતી એ મહેણું ચંદ્રશેખરે ભાંગ્યું હતું. ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાને તેમની જ ધરતી પર પહેલી વાર હરાવીને ભારતીય ક્રિકેટ ટીમને પ્રતિષ્ઠા અપાવનારા ચંદ્રશેખરને સ્પિન મેજિશિયન કહેવામાં આવે છે. ચંદ્રશેખર કાચ પર પણ બોલને સ્પિન કરી શકે એવું કહેવાતું. મતલબ કે, ગમે તેવી ફ્લેટ (સપાટ) પિચ પર બોલને સ્પિન કરવાની તાકાત હતી.

75 વર્ષિય ચંદ્રશેખરને થાક અને તેના કારણે ચક્કર આવવાના કારણે શુક્રવારના હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને એસ્ટર આર.વી. હૉસ્પિટલમાં મેડિકલ યૂનિટમાં રાખવામાં આવ્યા છે. તેમનીં પત્નીએ જણાવ્યું કે, હવે તે સામાન્ય વૉર્ડમાં છે અને તેમની ફિઝિયોથેરાપી ચાલી રહી છે.

તેમની પત્ની સંધ્યાએ જણાવ્યું કે, મના મગજમાં કોઈક પ્રકારનું બ્લોક છે. આ ઘણો હળવો સ્ટ્રોક હતો. તેઓ એક અથવા બે અઠવાડિયામાં સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે. કોઈ જીવલેણ બીમારી નથી

ચંદ્રશેખરે પોતાની 16 વર્ષની કેરિયરમાં 58 ટેસ્ટમાં 242 વિકેટ લીધી હતી. બિશન સિંહ બેદી, એરોપલ્લી પ્રસન્ના અને એસ. વેંકટરાઘવનની સાથે ભારતની જાણીતી સ્પિન ચોકડીના ભાગ રહેલા ચંદ્રશેખરને 1972માં પદ્મશ્રી અને અર્જુન પુરસ્કાર મળ્યો હતો.