નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Team India) જુલાઈમાં શ્રીલંકા (Srilanka)ના પ્રવાસે છે. જ્યાં ત્રણ મેચોની વનડે સીરિઝ અને ત્રણ મેચની ટી20 સીરિઝ રમશે. ત્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલ જેવા અને મહત્વપૂર્ણ ભારતીય ખેલાડી શ્રીલંકાના પ્રવાસ માટે ઉપલબ્ધ નહીં રહે. એવામાં શ્રીલંકા વિરુદ્ધ કેટલાક યુવા ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી શકે છે.  જેમાં આ પાંચ ભારતીય ખેલાડીઓ પર સૌની નજર છે.  ઉલ્લેખનીય છે કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરિઝ માટે અનેક સીનિયર ખેલાડી ઈંગ્લેન્ડ માટે રવાના થશે. 


વરુણ ચક્રવર્તી


વરૂણ ચક્રવર્તી (Varun chakravarthy ) એ છેલ્લા બે વર્ષમાં પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા છે. તે જુલાઈમાં શ્રીલંકાના ભારત પ્રવાસ દરમિયાન ડેબ્યૂ કરશે તેવી સંભાવના છે. આઈપીએલ (IPL)માં ચક્રવર્તી કોલકાતા નાઈટ રાઇડર્સ માટે મહત્વનો બોલર બની ગયો છે. આઈપીએલ 2021 માં તેણે 7 મેચોમાં 7 વિકેટ ઝડપી હતી. ગયા વર્ષે આઈપીએલ 2020 માં તેણે કેકેઆર માટે 13 મેચમાં 17 વિકેટ ઝડપી હતી.


રાહુલ તેવટિયા


રાહુલ તેવટિયા (Rahul tewatia) શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ તરફથી ડેબ્યુ કરી શકે છે. તેવટિયા બોલિંગ અને બેટિંગથી શાનદાર પ્રદર્શન કરી શકે છે. તે રાજસ્થાન રોયલ્સ માટે સારો દેખાવ કરી રહ્યો છે. તેના સારા પ્રદર્શન બાદ આ વર્ષે માર્ચમાં ઈંગ્લેન્ડ સામેની ટી -20 શ્રેણી દરમિયાન તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જો કે, તેવટિયાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું ન હતું. પરંતુ તેવટિયા શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે તેવી સંભાવના છે.


દેવદત્ત પડિક્કલ


બેટ્સમેન દેવદત્ત પડિક્કલ (Devdutt-Padikkal) પણ શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરે તેવી ઘણી સંભાવના છે. કર્ણાટકના આ ખેલાડીએ આઈપીએલની છેલ્લી સીઝનમાં તેની આક્રમક બેટિંગ શૈલીથી સૌને પ્રભાવિત કર્યા છે. આઈપીએલ 2020માં તે તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે વિજય હજારે ટ્રોફી 2020-21માં તેની બેટિંગથી પણ પ્રભાવિત કર્યા હતા. તેણે  7 મેચમાં 4 સદી અને 3 અડધી સદી ફટકારી હતી અને 737 રન સાથે બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આઈપીએલ 2021 માં પણ તેણે રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારી હતી.


હર્ષલ પટેલ


હર્ષલ પટલે (Harshal Patel) આઈપીએલ 2021 માં શાનદાર બોલિંગ કરી હતી. હર્ષલ પટેલના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બોલિંગમાં ઘણી મજબૂતી મળી છે. પટેલે તેની પ્રથમ મેચથી જ બેંગ્લોર માટે શાનદાર દેખાવ કર્યો હતો. આઈપીએલ 2021 ના ​​સ્થગિત થતા પહેલા  હર્ષલ પટેલ 7 મેચમાં 17 વિકેટ ઝડપીને સૌથી વધુ વિકેટ ઝડપી હતી. આઈપીએલ 2021 ની શરૂઆતની મેચમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 5 વિકેટ ઝડપી હતી અને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. જમણા હાથના ઝડપી બોલર પટેલ શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે.


ચેતન સાકરિયા 


આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમી રહેલો ગુજરાતી ક્રિકેટર ચેતન સાકરીયા (Chetan Sakariya)ના પિતાનું હાલમાં જ કોરોના વાયરસથી અવસાન થયું હતું. ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરીયાએ 2021માં તેની પ્રથમ ભારતીય પ્રીમિયર લીગ સીઝન રમી હતી અને તેની બોલિંગથી દરેકનું દીલ જીતી લીધું હતું. સાકરિયાએ આ સીઝનમાં રાજસ્થાન માટે સાત મેચ રમી હતી, જેમાં પ્રતિ ઓવરમાં 8.22  રનની ઇકોનોમી રેટથી સાત વિકેટ લીધી હતી. સાકરીયા શ્રીલંકા સામે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે.