Vijay Hazare Trophy:  અમદાવાદમાં રમાયેલી વિજય હઝારે ટ્રોફીની સેમીફાઇનલમાં મહારાષ્ટ્રે આસામને 12 રને હરાવ્યું છે. આ જીત સાથે મહારાષ્ટ્ર ફાઇનલમાં પહોંચ્યું છે. ટાઇટલ મેચમાં તેનો સામનો સૌરાષ્ટ્ર સામે થશે. સૌરાષ્ટ્રે બીજી સેમીફાઈનલમાં કર્ણાટકને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્રને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 168 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય અંકિત બાવનેએ પણ સદી ફટકારી હતી. તે 110 રન બનાવીને આઉટ થયો હતો. રાજવર્ધન હેંગરગેકરે શાનદાર બોલિંગ કરી ચાર વિકેટ ઝડપી હતી. વિજય હઝારે ટ્રોફીની ફાઈનલ 2 ડિસેમ્બરે રમાશે.






આ સેમીફાઈનલ મેચમાં આસામે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. બેટિંગ કરવા ઉતરેલી મહારાષ્ટ્રની ટીમની શરૂઆત સારી રહી ન હતી, તેની પ્રથમ વિકેટ 27 રન પર પડી હતી. ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલો રાહુલ ત્રિપાઠી 3 રન બનાવીને આઉટ થયો હતો. સત્યજીત બચ્છવે 41 રનની ઇનિંગ રમી હતી. આ પછી ઋતુરાજે અંકિત બાવને સાથે મળીને ટીમની બાગડોર સંભાળી હતી. બંનેએ શાનદાર બેટિંગ કરતાં સદી પૂરી કરી હતી. કેપ્ટન ઋતુરાજે 126 બોલમાં 168 રનની ઇનિંગ રમી જેમાં 18 ફોર અને 6 સિક્સ સામેલ હતી. જ્યારે અંકિતે 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા. આ રીતે મહારાષ્ટ્રે 7 વિકેટે 350 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આસામ તરફથી મુખ્તાર હુસૈને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.


જીત માટે 351 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા ઉતરેલી આસામની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમે નવ રન પર પ્રથમ વિકેટ પડી ગઇ હતી. રાહુલ હજારિકા 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન કુણાલ સૈકિયાએ પણ 10 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં રિશવ દાસે 51 રન બનાવીને ટીમને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રિયાન પરાગ 15 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સિબશંકર રોય અને સ્વરૂપમ પુરકાયસ્થ વચ્ચે સારી ભાગીદારી કરી હતી. સિબશંકરે 78 અને સ્વરૂપમે 95 રન બનાવ્યા હતા. આ બંનેના આઉટ થયા બાદ આસામની ટીમ જીતથી 12 રન દૂર રહી હતી. આસામની ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 338 રન બનાવી શકી હતી. હેંગરગેકરે શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી.