IND vs AFG, Virat Kohli Century: અફઘાનિસ્તાન સામે દુબઈમાં રમાઈ રહેલી મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અજાયબી કરી બતાવી છે. કોહલીએ આ મેચમાં T20 ઈન્ટરનેશનલમાં તેની પ્રથમ સદી ફટકારી છે. કોહલી 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 122 રને અણનમ પાછો ફર્યો હતો.


1021 દિવસ પછી સદી


ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ વિરાટ કોહલીના બેટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારવામાં આવી છે. તેણે 61 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1021 દિવસ બાદ તેના બેટમાંથી સદી આવી છે. આ પહેલા કોહલીએ નવેમ્બર 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હતી.


વિરાટ કોહલીએ પોતાની આ શાનદાર સદીને તેના પરીવારને સમર્પિત કરી છે. વિરાટ કોહલીએ કહ્યું કે, "તમે મને અહીં જોઈ રહ્યા છો કારણે કે, એક વ્યક્તિએ મારા માટે તમામ વસ્તુઓ યથાર્થ રીતે મુકી હતી અને તે વ્યક્તિ છે અનુષ્કા. આ સદી તેના માટે અને અમારી પુત્રી વામીકા માટે છે." 






માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડ્યો...
આ સાથે કિંગ કોહલીના નામે T20 ઈન્ટરનેશનલમાં 3584 રન બની ગયા છે. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડીને બીજા ક્રમે આવી ગયો છે. આ સાથે જ તે T20 ઈન્ટરનેશનલમાં 3500થી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે.


કોહલી T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બન્યો


પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 32 વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. આ સાથે જ વિરાટ કોહલીએ આજે ​​33મી વખત પચાસ રનનો આંકડો પાર કર્યો. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022માં વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ત્રણ વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.