નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. કોહલી ભારત માટે 200 અંતરરાષ્ટ્રીય મેચમાં કેપ્ટન તરીકે નેતૃત્વ કરનાર ત્રીજો કેપ્ટન બની ગયો છે. જાન્યુઆરી 2017માં ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનેલા કોહલીએ ઈંગ્લેન્ડ સામે રવિવારે રમાયેલી ત્રીજી વનડેમાં કેપ્ટનશીપ કરી આ ઉપલબ્ધિ હાંસિલ કરી છે.
કોહલી આ સાથે જ પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની અને મોહમ્મદ અઝરુદ્દીનના ક્લબમાં સામેલ થઈ ગયો છે જેમણે આ પહેલા ભારત માટે 200 મેચમાં કેપ્ટન તરીકે નેતૃત્વ કર્યું છે.
અઝહરુદ્દીને ટીમ ઈન્ડિયાનું 221 મેચમાં નેતૃત્વ કર્યું છે જ્યારે મહેંદ્ર સિંહ ધોનીએ ભારત માટે 332 મેચમાં કેપ્ટનશીપ કરી છે. ધોનીએ ડિસેમ્બર 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કર્યા બાદ કોહલીને ભારતીય ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. ધોનીએ પછી જાન્યુઆરી 2017માં વનડેમાં પણ કેપ્ટનશીપ છોડી હતી બાદમાં કોહલી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની ગયો હતો.
કોહલીએ ત્રીજી વનડેમાં જીત મેળવ્યા બાદ કહ્યું, સેમ કરને શાનદાર ઈનિંગ રમી. અમારા બોલરોએ પણ વિકેટ ઝડપી. હાર્દિક પંડ્યા અને નટરાજને શાનદાર બોલિંગ કરી. કેચ છોડ્યા એ નિરાશાજનક હતું, પરંતુ છેલ્લા જીત મેળવવામાં સફળ થયા.
ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે સતત ત્રીજી શ્રેણી પોતાના નામે કરી છે. આ પહેલાંની પણ બંને સીરિઝ ભારત જીત્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ પહેલાં જાન્યુઆરી 2020માં ઓસ્ટ્રેલિયાને 2-1થી અને ડિસેમ્બર 2019માં વેસ્ટ ઇન્ડિઝને 2-1થી માત આપી હતી.
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની ત્રણ વનડે સીરીઝની અંતિમ મેચમાં ઈંગ્લેન્ડને 7 રને હરાવ્યું છે. ભારતે ત્રણ મેચની સીરીઝ 2-1થી જીતી લીધી છે. ખૂબ જ રોમાંચક મુકાબલામાં ટીમ ઈન્ડિયા બાજી મારવામાં સફળ થયું છે. આ સાથે જ ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. ઈંગ્લેન્ડની અંતિમ ઓવરમાં જીત માટે 14 રનની જરુર હતી. પરંતુ નટરાજને શાનદાર બોલિંગ કરતા માત્ર 6 રન આપ્યા હતા. સેમ કરન 95 રન બનાવી નોટાઆઉટ રહ્યો હતો. સેમ કરન શાનદાર ઈનિંગ રમવા છતા ટીમને જીત ન અપાવી શક્યો. ઈન્ડિયાએ ટેસ્ટ અને ટી20 બાદ વનડે સીરીઝમાં પણ ઈંગ્લેન્ડને હરાવ્યું છે. ભારત માટે શાર્દુલ ઠાકુરે 4, ભુવનેશ્વર કુમારે 3 અને ટી. નટરાજને 1 વિકેટ લીધી છે.