Virat and Hardik Dance Viral Video: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે પંજાબના મોહાલીમાં રમાશે. બંને ટીમો મોહાલી પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે ટીમના ખેલાડીની મસ્તી ચાલુ છે, ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ રવિવારે સાંજે વિરાટ કોહલી સાથે ડાન્સનો વીડિયો પોસ્ટ કર્યો છે. બંને ખેલાડીઓ પ્રેક્ટિસમાંથી સમય કાઢીને ઈન્સ્ટાગ્રામ રીલ બનાવતા જોવા મળ્યા હતા.
હાર્દિક અને કોહલીએ બનાવી રિલ્સઃ
હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ બનાવેલા આ વીડિયોમાં બંને ખેલાડીઓ ચશ્મા પહેરીને ઉભા છે. આ દરમિયાન વિરાટ અને હાર્દિક એક બીજા સામે જુએ છે અને પછી ડાન્સ શરુ કરે છે. મ્યુઝિકના રિધમ પર બંને ખેલાડી ડાન્સ સ્ટેપ કરે છે. ત્યાર બાદ વિરાટ હસવા લાગે છે. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ આ ડાન્સ સ્ટેપ્સ કર્યા અને બધાનું દિલ જીતી લીધું છે. બંનેના આ ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
વિરાટ કોહલીએ એશિયા કપ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટે આ ટૂર્નામેન્ટમાં 5 મેચો રમી હતી જેમાં કુલ 276 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટે એક શતક અને ત્રણ અર્ધશતક ફટકાર્યાં હતાં. કોહલી એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા નંબર પર રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સિરીઝની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરના રોજ મોહાલીમાં રમાવાની છે. આ પછી સિરીઝની બીજી મેચ 23 સપ્ટેમ્બરના રોજ નાગપુરમાં રમાશે. તો સિરીઝની છેલ્લી મેચ 25 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદમાં રમાશે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પુર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે પણ સિરીઝ રમશે.