Virat Kohli IND vs BAN Warm Up Match: આ મહિને ક્રિકેટનો મહાકુંભ ક્રિકેટ વર્લ્ડકપ ટી20 શરૂ થઇ રહ્યો છે, પરંતુ વિરાટને ફેન્સ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. વિરાટ કોહલી T20 વર્લ્ડકપ 2024 માટે અમેરિકા પહોંચી ગયો છે. IPL બાદ કોહલી ટીમ ઈન્ડિયા સાથે અમેરિકા જવા રવાના થયો નથી. તે ટીમ ઈન્ડિયાની વૉર્મ-અપ મેચ પહેલા પહોંચી ગયો છે. T20 વર્લ્ડકપ શરૂ થતા પહેલા ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે એકમાત્ર વૉર્મ-અપ મેચ રમશે, પરંતુ વિરાટ કોહલી આ મેચ ચૂકી શકે છે. પણ શા માટે ? ચાલો અહીં જાણીએ.... 


'NDTV'ના એક અહેવાલ અનુસાર, BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, "વિરાટ કોહલીએ ટીમ હૉટલમાં ચેક ઇન કરી લીધું છે, અને એક લાંબી ફ્લાઇટ બાદ તે આરામ કરશે."


વિરાટે ન્યૂયોર્ક પહોંચવા માટે 16 કલાકની લાંબી ફ્લાઈટ લીધી હતી. આવી સ્થિતિમાં કોહલી બાંગ્લાદેશ સામેની વૉર્મ-અપ મેચ રમે છે કે કેમ તે તેના પર નિર્ભર રહેશે કે તે કેવું અનુભવી રહ્યો છે. તે બાંગ્લાદેશ સામે રમવા માંગે છે કે નહીં ?


કોહલીએ મિસ કર્યુ પ્રેક્ટિસ સેશન 
ટીમ સાથે ના આવવાને કારણે વિરાટ કોહલી કેટલીક પ્રેક્ટિસ ચૂકી ગયો હતો. ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ આઈપીએલની વચ્ચે ન્યૂયોર્ક પહોંચી ગયા હતા. ખેલાડીઓએ પહોંચ્યા બાદ પ્રેક્ટિસ શરૂ કરી હતી, જે દેખીતી રીતે વિરાટ કોહલી ચૂકી ગયો હતો. ગયા શુક્રવારે જ વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન હતું. આ સેશનમાં રિંકુ સિંહ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબેએ ઘણો પરસેવો પાડ્યો હતો.


આઇપીએલ 2024માં જબરદસ્ત બેટિંગ કરી હતી વિરાટ કોહલીએ 
હાલમાં જ પૂર્ણ થયેલી IPL 2024માં વિરાટ કોહલીનું બેટ ધમાલ મચાવી હતી. તે ટૂર્નામેન્ટનો હાઇ સ્કૉરર હતો, જેની સાથે તેણે ઓરેન્જ કેપ જીતી હતી. કોહલીએ 15 મેચની 15 ઇનિંગ્સમાં 61.75ની એવરેજ અને 154.70ની સ્ટ્રાઇક રેટથી 741 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી હતી. કોહલી ઝડપી બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે 62 ચોગ્ગા અને 38 છગ્ગા ફટકાર્યા હતા. તે સૌથી વધુ છગ્ગા મારવાના મામલે પણ બીજા ક્રમે હતો.