નવી દિલ્હીઃ આઇસીસીએ વર્ષ 2019ની વન-ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ બંન્ને ટીમમાં ભારતીય કેપ્ટન અને બેટ્સમેન વિરાટ કોહલીને કેપ્ટન પસંદ કરવામાં આવ્યો છે. કોહલી સિવાય ચાર અન્ય ભારતીયોને આઇસીસી ટેસ્ટ અને વન-ડે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર મયંક અગ્રવાલને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જ્યારે ઓપનર રોહિત શર્મા, ઝડપી બોલર મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને વન-ડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

કોહલીએ 2019માં બંન્ને ફોરમેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને  ટેસ્ટ ક્રિકેટમાં સાતમી  બેવડી સદી ફટકારતા છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ અણનમ 254 રન ફટકાર્યા હતા. તે સિવાય મયંક અગ્રવાલે બે બેવડી સદી, એક સદી અને  બે અડધી સદી ફટકારી હતી. અગ્રવાલે નવેમ્બરમાં બાંગ્લાદેશ સામે 243 રનની ઇનિંગ રમી હતી.


વન-ડેમાં ભારતના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડકપમાં પાંચ સદી અને એક અડધી સદી ફટકારી હતી. કુલદીપે બે હેટ્રિક લીધી હતી. તેણે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ગયા મહિને કરિયરની બીજી હેટ્રિક લીધી હતી. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં શમ્મીએ છેલ્લા 12 મહિનામાં 21 વન-ડેમાં 42 વિકેટ ઝડપી છે.

વર્ષ 2019ની આઇસીસી ટીમ

વન-ડે ટીમ

રોહિત શર્મા, શાઇ હોપ, વિરાટ કોહલી (કેપ્ટન), બાબર આઝમ, કેન વિલિયમ્સન, બેન સ્ટોક્સ, જોસ બટલર, મિશેલ સ્ટાર્ક, ટ્રેડ બોલ્ડ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ

ટેસ્ટ ટીમ

મયંક અગ્રવાલ, ટોમ લાથમ, માર્નસ લાબુશાને, વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, બીજે વાટલિંગ,પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નીલ વેગનેર, નાથન લિયોન