India vs SA T20 શ્રેણી, IND vs SA:ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022 પછી દક્ષિણ આફ્રિકાની ટીમ પાંચ ટી-20 સીરિઝ માટે ભારતનો પ્રવાસ કરશે. દરમિયાન બીજી ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. હવે બે અલગ-અલગ ટીમો માટે બે કોચ હશે. સ્પોર્ટ્સ વેબસાઈટ ઈનસાઇડસ્પોર્ટના રિપોર્ટ અનુસાર બંને ટીમો માટે અલગ-અલગ કોચિંગ સ્ટાફ હશે. જ્યારે રાહુલ દ્રવિડ ટેસ્ટ ટીમ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે ત્યારે  વીવીએસ લક્ષ્મણ દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી અને આયર્લેન્ડ વિરુદ્ધ બે મેચની T20 શ્રેણી માટે કોચ ટીમ સાથે જોડાઈ શકે છે.


 ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રાહુલ દ્રવિડ અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ 15 કે 16 જૂને યુકે જવા રવાના થશે. સાઉથ આફ્રિકા સામેની ટી-20 સીરિઝમાં  શિખર ધવન ટીમની કમાન સંભાળી શકે છે. જ્યારે વીવીએસ લક્ષ્મણ કોચની જવાબદારી સંભાળશે.


 બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે હવે અમારી પાસે બર્મિંગહામ ટેસ્ટ પહેલા 24 જૂને લેસ્ટરશાયર સામે વોર્મ-અપ મેચ છે. રાહુલ દ્રવિડ અને ટીમ 15 કે 16 જૂને રવાના થશે. અમે ભારત દક્ષિણ આફ્રિકા T20 અને આયર્લેન્ડ T20 શ્રેણી માટે VVS લક્ષ્મણ સાથે વાતચીત કરી રહ્યા છીએ.


નોંધનીય છે કે પસંદગીકારો ફરી એકવાર બે ટીમોની પસંદગી કરશે. એક ટીમ સાઉથ આફ્રિકા સિરીઝ માટે અને બીજી ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રમશે. ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિ દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા સાથે સાઉથ આફ્રિકા સામેની T20I શ્રેણી માટે વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપ્યા બાદ યુવા ટીમ પસંદ કરશે. બીજી ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થશે.


અગાઉ ગયા વર્ષે પણ બે ભારતીય ટીમો અલગ-અલગ ટીમો સામે રમી હતી. એક ટીમ ઈંગ્લેન્ડ અને બીજી શ્રીલંકા ગઈ હતી. જોકે, આ વખતે બંને ટીમો અલગ-અલગ સમયે રમશે. IPLના યુવા ખેલાડીઓને T20 શ્રેણીમાં તક મળી શકે છે, ત્યારે રોહિત શર્મા સહિત ઘણા સિનિયર ખેલાડીઓ 15 જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થશે. 


આઈપીએલ બાદ દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. શિખર ધવનને આ શ્રેણી માટે ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. આઈપીએલ બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંત સહિતના ખેલાડીઓને આરામ આપવામાં આવશે અને આ ખેલાડીઓ 15 જૂને ઈંગ્લેન્ડ જશે.


સાઉથ આફ્રિકા શ્રેણીમાં હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક અને સંજુ સેમસનની વાપસી થઈ શકે છે. ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન ઉપરાંત ઉમરાન મલિક, મોહસીન ખાન અને જીતેશ શર્મા જેવા નવા ખેલાડીઓને પણ આ સીરિઝમાં તક મળી શકે છે. આ સાથે જ ચેતેશ્વર પૂજારા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝથી  વાપસી કરી શકે છે. અજિંક્ય રહાણે ઈજાના કારણે ટીમની બહાર થઈ ગયો છે. હનુમા વિહારી ઉપરાંત શ્રેયસ અય્યર, શુભમન ગિલ પણ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ થઈ શકે છે. ભારત ઈંગ્લેન્ડ સામે 1 થી 5 જૂલાઈ દરમિયાન રમાનારી 5મી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ મેચ રમશે. બંને પ્રવાસ માટે 23 મેના રોજ પસંદગી સમિતિની બેઠક થશે.


હાલમાં કાઉન્ટી ક્રિકેટમાં રમી રહેલા ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમ માટે પસંદ કરવામાં આવશે. સાઉથ આફ્રિકા સીરીઝ બાદ હાર્દિક પંડ્યાને પણ ઈંગ્લેન્ડની વન-ડે સીરિઝ માટેની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.