નવી દિલ્હીઃ સાઉથમ્પટન ખાતે રમાયેલી ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20માં ભારતે ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવરમાં ઇગ્લેન્ડના નવા કેપ્ટન જોસ બટલરને બોલ્ડ કરીને પ્રથમ ઝટકો આપ્યો હતો. ભુવનેશ્વર કુમાર નવા બોલ સાથે સારું પ્રદર્શન કરવા માટે જાણીતો છે. તે બોલને સ્વિંગ કરવામાં માહેર છે અને T20ની પ્રથમ 6 ઓવરના પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.






ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં ફરી એકવાર આ બોલરે ટીમને શાનદાર સફળતા અપાવી હતી.  જોસ બટલર ટી-20ના વિસ્ફોટક બેટ્સમેનોમાંનો એક છે. તાજેતરમાં જ તેણે IPL 2022માં પણ 4 સદીની મદદથી 850થી વધુ રન બનાવ્યા હતા. પરંતુ તે ભારતીય ફાસ્ટ બોલરની સામે પ્રથમ મેચમાં નિષ્ફળ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 50 રને જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 198 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 148 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન જોસ બટલર T20 ઇન્ટરનેશનલમાં 5મી વખત શૂન્ય પર આઉટ થયો હતો.


પાવરપ્લેની 3 ઓવરમાં માત્ર 10 રન


ભુવનેશ્વર કુમારે પાવરપ્લેની પ્રથમ 3 ઓવરમાં માત્ર 10 રન આપ્યા અને એક વિકેટ લીધી હતી. જેના કારણે ઇંગ્લિશ ટીમ પ્રથમ 6 ઓવરમાં 32 રન જ બનાવી શકી હતી. જ્યારે ભારતીય ટીમે 60 થી વધુ રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી 67 મેચમાં 24ની એવરેજથી 67 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 24 રનમાં 5 વિકેટ છે.


ઓવરઓલ T20માં ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન પણ સારું છે. તેણે 229 મેચમાં 233 વિકેટ લીધી છે. 19 રનમાં 5 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન છે. 4 વખત 4 અને 2 વખત 5 વિકેટ તેના નામે છે. ઇકોનોમી રેટ 7 આસપાસ છે. તેણે 21 ટેસ્ટમાં 63 અને 121 વનડેમાં 141 વિકેટ ઝડપી છે.