Sarfaraz Khan Marriage: ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાનના નિકાહનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં સરફરાઝ ખાને એક કાશ્મીરી યુવતી સાથે નિકાહ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરફરાઝ ખાને જે યુવતી સાથે નિકાહ કર્યા છે તે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની રહેવાસી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સરફરાઝ ખાન શેરવાની પહેરેલો જોવા મળી રહ્યો છે.






નિકાહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો


વાસ્તવમાં સરફરાઝ ખાન ભૂતકાળમાં ઘણી વખત ચર્ચામાં આવ્યો હતો. મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં સરફરાઝ ખાનને ટીમ ઈન્ડિયા માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. જે બાદ સરફરાઝ ખાન સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો હતો. જો કે, હવે સરફરાઝ ખાનના નિકાહની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.


સરફરાઝ ખાન ઘરેલુ ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે


ઉલ્લેખનીય છે કે, સરફરાઝ ખાન ઘરેલુ ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે સરફરાઝ ખાન આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. IPL 2023ની સીઝન સરફરાઝ ખાન માટે નિરાશાજનક રહી પરંતુ આ ખેલાડીએ રણજી ટ્રોફીમાં ઘણા રન બનાવ્યા. જો કે આમ છતાં સરફરાઝ ખાન ભારતીય ટીમમાં સ્થાન  મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. જે બાદ વસીમ જાફર અને સુનીલ ગવાસ્કર જેવા ઘણા પૂર્વ ખેલાડીઓએ BCCI અને પસંદગી સમિતિ પર સવાલો ઉઠાવ્યા હતા.






સરફરાઝે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું નથી. તે ભારતીય અંડર-19 ટીમ માટે ક્રિકેટ રમી ચૂક્યો છે. જ્યારે IPLમાં તે પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી પણ રમી ચૂક્યો છે.


આ રીતે થઇ હતી સરફરાઝની લવસ્ટોરીની શરૂઆત


સરફરાઝ ખાનના નિકાહ જે કાશ્મીરી યુવતી સાથે થયા હતા જેનું નામ રોમાના ઝહૂર છે. રોમાના ઝહૂરના માતા-પિતા અને બહેનના કેટલાક વીડિયો પણ જાહેર થયા છે. આ વીડિયોમાં તેના પિતા અને બહેને જણાવ્યું કે કેવી રીતે રોમાના સરફરાઝને દિલ્હીમાં મળી અને બંને વચ્ચે મિત્રતા અને પછી પ્રેમ થયો. આ પછી સરફરાઝના પરિવારજનોએ અહી આવ્યા અને બંન્નેના નિકાહ કરવાનું નક્કી કર્યું હતું.


રોમાનાની બહેને કહ્યું કે અમને બિલકુલ અપેક્ષા નહોતી કે આટલો સારો સંબંધ આવશે. તેણે જણાવ્યું કે રોમાના દિલ્હીમાં MSC નો અભ્યાસ કરતી હતી. સરફરાઝનો પિતરાઈ ભાઈ પણ રોમાના સાથે ભણતો હતો. રોમાના એક વાર મેચ જોવા ગઈ. પિતરાઈ ભાઈએ જ સરફરાજને રોમાના સાથે પરિચય કરાવ્યો હતો. આ પછી સરફરાઝે પિતરાઈ ભાઈને સીધું જ કહી દીધું હતું કે તેણે રોમાના સાથે લગ્ન કરવા છે. આ પછી મામલો પરિવાર સુધી પહોંચ્યો અને આ લગ્ન થયા હતા