Shubman Gill: ભારતીય ટીમે ગઇકાલે પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરી દીધી છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમને હરાવીને વિજયી અભિયાન શરૂ કર્યુ છે. પરંતુ આ મેચમાં ભારતની કેટલીક નબળાઇઓ સામે આવી જેને ફેન્સ અને ક્રિકેટ દિગ્ગજોને ચર્ચાએ ચઢાવ્યા છે. આમાં સૌથી મોટી ચર્ચા સ્ટાર ઓપનર શુભમન ગીલની બિમારીને લઇને થઇ રહી છે. તમામને સવાલ છે કે, શુભમન ગીલ વર્લ્ડકપની આગામી મેચો માટે ઉપલબ્ધ રહેશે કે નહીં. હવે આ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. 


હાલમાં જ રિપોર્ટ મળી રહ્યાં છે કે, ઓસ્ટ્રેલિયા બાદ હવે અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ ભારતીય ઓપનર શુભમન ગીલ નહીં રમી શકે, શુભમન ગીલને થોડા દિવસો પહેલા ડેન્ગ્યૂની અસર થઈ હતી. તે હજુ સુધી સંપૂર્ણ સ્વસ્થ થઈ શક્યો નથી.


ANIએ એક સૂત્રને ટાંકીને કહ્યું છે કે, 'શુભમન ગીલ સ્વસ્થ થઈ રહ્યો છે. તે ટીમ ઈન્ડિયા સાથે દિલ્હી જઈ રહ્યો છે. તે આખો સમય ટીમની સાથે રહેશે. તે ચંદીગઢ સ્થિત પોતાના ઘરે આરામ કરવા જશે નહીં. અમને આશા છે કે તે પાકિસ્તાન સામેની મેચમાં મેદાન પર જોવા મળશે. તેની અફઘાનિસ્તાન સામે રમવાની સંભાવના આગામી મેડિકલ રિપોર્ટ પર નિર્ભર છે.


નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાએ ગઈકાલે રાત્રે (8 ઓક્ટોબર) વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શુભમન ગીલને પણ બહાર રાખ્યો હતો. તેની જગ્યાએ ઈશાન કિશનને તક આપવામાં આવી હતી. આ મેચમાં ઈશાન કિશન પુરેપુરો ફ્લૉપ રહ્યો હતો. તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.


ભારતની આગામી મેચ અફઘાનિસ્તાન સામે - 
વર્લ્ડકપ 2023માં ભારત પોતાની આગામી મેચમાં અફઘાનિસ્તાન 11 ઓક્ટોબરે ટકરાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, આ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાએ તાબડતોડ બેટિંગ કરી હતી, પ્રૉટીયાઝ ટીમે અહીં 428 રન બનાવ્યા હતા. ત્રણ પ્રોટીયાઝ બેટ્સમેનોએ પણ સદી ફટકારી હતી. ભારત-અફઘાનિસ્તાન મેચમાં પણ આવો જ રનનો વરસાદ થઈ શકે છે.


નહીં રમે શુભમન ગીલ 
જો શુભમન ગીલ અફઘાનિસ્તાન સામેની મેચ માટે ફિટ નહીં હોય તો ચોક્કસપણે તેની ખોટ ટીમને પડશે. શુભમન હાલમાં ICC ODI રેન્કિંગમાં નંબર-2 બેટ્સમેન છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે સૌથી વધુ વનડે રન બનાવ્યા છે.