નવી દિલ્હીઃ ક્રિકેટ સાથે જોડાયેલ ફેન્સ માટે ખરાબ સમાચાર છે. વિન્ડિઝ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એવર્ટન વીક્સનું નિધન થયું છે. એવર્ટન વીક્સને વિન્ડિઝમાં સ્પોર્ટ્સના ફાઉન્ડિંગ ફાધર તરીકે ઓળખાય છે. એવર્ટન વીક્સની ઉંમર 95 વર્ષની હતી. એવર્ટન વીક્સના નિધન બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર જોવા મળી રહી છે. એવર્ટન વીક્સે અંદાજે 10 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી હતી.


એવર્ટન વીક્સે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત 1948થી કરી હતી. 1958માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીના અંત સુધીમાં તેણે 48 ટેસ્ટ મેચમાં 58.61ની શાનદાર સરેરાશ સાથે 4455 રન બનાવ્યા. ટેસ્ટમાં વીક્સેનો હાઈએસ્ટ સ્કોર 207 રન છે અને તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ 15 સેન્ચુરી ફટકારી છે. એટલું જ નહીં વીક્સના નામે પાંચ સેન્ચેરુ કરવાનો રેકોર્ડ પણ નોંધાયેલ છે.

સતત છઠ્ઠી સેન્ચુરી ફટકારવાથી ચૂક્યા હતા વીક્સ

વીક્સે પોતાની કારકિર્દીમાં ચોથી ટેસ્ટમાં 141 રનની ઇનિંગ રમી. આ ઇનિંગની જોરે વિન્ડિઝે ઇંગ્લેન્ડને 10 વિકેટ હાર આપી હતી. એ જ વર્ષે વિન્ડિઝની ટીમ ઇન્ડિયા પ્રવાસ પર આવી જ્યાં તેણે 128, 194, 162 અને 101 રનની ઇનિંગ રમી હતી. વીક્સ સતત છઠ્ઠી સેન્ચુરી લગાવવાના રેકોર્ડ બનાવી શક્યા હોત, પરંતુ તે 90 રન બનાવીને આઉટ થઈ ગયા.

વિન્ડિઝ ક્રિકેટે ટ્વીટ કરીને કહ્યું કે, “અમે અમારો સૌથી મોટો આઇડલ ગુમાવ્યો છે. એક લેજેન્ડ, અમારો હીરો, એવર્ટન વીક્સ ચાલ્યા ગયા. વીક્સની આત્માને શાંતિ મળે.”

વીક્સના નિધન પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી વીવીએસ લક્ષ્મણે પણ દુખ વ્યક્ત કર્યું છે. લક્ષ્મણે લખ્યું, “વેસ્ડ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના લેજેન્ડ ચાલ્યા ગયા. સર એવર્ટન વીક્સ. તે ક્રિકેટ રમત માટે એક ગિફ્ટની જેમ હતા. ”