મુંબઈઃ વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટનપદેથી રાજીનામું આપીને સૌને આંચકો આપ્યો છે. હવે બહાર આવેલી વિગતો પ્રમાણે વિરાટ કોહલીએ શુક્રવારે કેપટાઉન ટેસ્ટ પૂર્ણ થયા બાદ સૌથી પહેલાં હેડ કોચ રાહુલ દ્રવિડને પોતાના નિર્ણયની જાણ કરી હતી.


વિરાટે સાંજે ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે લાંબી ચર્ચા કરીને પોતાનો નિર્ણય જણાવ્યો હતો.  ડ્રેસિંગ રૂમમાં ટીમ અને સ્ટાફના અન્ય લોકો હતા તેથી કોહલી અને દ્રવિડે દૂર જઈને ચર્ચા કરી હતી. રાહુલે કોહલીને આ નિર્ણય નહીં લેવા સમજાવ્યો હોવાનું કહેવાય છે પણ કોહલી માન્યો નહોતો. 


લગભગ 1 કલાક બાદ ટીમ હોટલ જવા રવાના થઈ. હોટલમાં પહોંચ્યા બાદ કોહલીએ સાથી ખેલાડીઓને જાણ કરી કે, પોતે ટેસ્ટમાંથી પણ કેપ્ટન્સી છોડી રહ્યો છે. કોહલીએ તમામને અપીલ કરી કે, તેઓ હાલ આ માહિતી ક્યાંય જાહેર ન કરે.


ટીમના સાથીઓને જાણ કર્યાના બીજા દિવસે શનિવારે બપોરે 3 કલાકે કોહલીએ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહને ફોન કર્યો હતો અને કેપ્ટન્સી છોડવાનો પોતાનો નિર્ણય જણાવ્યો હતો. કોહલીનો આ નિર્ણય જય શાહ માટે પણ ચોંકાવનારો હતો પણ જય શાહે કોહલીને આ અંગે ફરી વિચારવા નહોતું કહ્યું.


સૂત્રોએ જણાવ્યું કે, શાહે એટલું જ કહ્યું હતું કે, કોહલીએ ટેસ્ટ કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કરી જ લીધો છે ત્યારે હવે તેને વિનંતી કરવાથી કોઈ ફેર પડવાનો નહોતો. રસપ્રદ વાત એ છે કે, કોહલીએ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી સાથે આ અંગે કોઈ વાત કરી નહોતી. ગાંગુલીએ પણ કોહલીએ કેપ્ટન્સી છોડી તેના છ કલાક પછી રીએક્શન આપ્યું હતું.


સાઉથ આફ્રિકાની સાવ સાધારણ કહી શકાય તેવી ટીમ સામે આખરી ટેસ્ટની સાથે શ્રેણી ગુમાવ્યાના એક દિવસ બાદ જય શાહ સાથે વાત કર્યા પછી કોહલીએ ટેસ્ટ કેપ્ટન તરીકે પણ વિદાય લેવાની સત્તાવાર જાહેરાત કરી હતી.