નવી દિલ્હીઃ તાજુલ ઇસ્લામની શાનદાર બોલિંગની મદદથી બાંગ્લાદેશે વેસ્ટ ઇન્ડિઝને વન-ડે સીરિઝમાં ક્લિન સ્વીપ કર્યું છે. બાંગ્લાદેશે ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ચાર વિકેટે જીત મેળવી હતી. આ સાથે બાંગ્લાદેશે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 3-0થી સીરિઝ જીતી લીધી હતી. ત્રીજી વન-ડેમાં બાંગ્લાદેશના સ્પિનર તાજુલે પાંચ વિકેટ ઝડપી હતી.


પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝે 178 રન બનાવ્યા હતા જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 48.3 ઓવરમાં છ વિકેટ ગુમાવી જીત હાંસલ કરી હતી. શાનદાર પ્રદર્શન કરનાર તાજુલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. કેપ્ટન તમીમ ઇકબાલને પ્લેયર ઓફ ધ સીરિઝ પસંદ કરાયો હતો. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝે ટી-20 સીરિઝ જીતી હતી પરંતુ ટીમ વન-ડેમાં સારુ પ્રદર્શન કરી શકી નથી.


ટોસ હારીને પ્રથમ બેટિંગ કરનાર વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે 16 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન નિકોલસ પૂરન અને કાર્ટીએ અડધી સદીની ભાગીદારી કરી ટીમને સન્માનજક સ્કોર સુધી પહોંચાડી હતી. અંતમાં રોમારિયા શેફર્ડે 19 રન બનાવી ટીમનો સ્કોર 180 નજીક પહોંચાડ્યો હતો. પૂરને 109 બોલમાં 73 રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશ તરફથી તાજૂલ ઇસ્લામે 10 ઓવરમાં 28 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે નસુમ અહમદ અને મુસ્તફિઝુર રહમાને બે-બે વિકેટ ઝડપી હતી.


જેના જવાબમાં બાંગ્લાદેશ તરફથી તમિલ ઇકબાલે 34, લિટન દાસે 50 રન ફટકાર્યા હતા. તે સિવાય નુરલ 32 અને મહેંદી 16 રન બનાવી અણનમ રહ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી Gudakesh Motieએ ચાર વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સતત ચોથી વન-ડે સીરિઝ જીતી છે. બંન્ને વચ્ચે અત્યાર સુધીમાં 11 દ્ધિપક્ષીય સીરિઝ રમાઇ છે. જેમાં બાંગ્લાદેશે છ અને વેસ્ટ ઇન્ડિઝે પાંચ સીરિઝ જીતી છે.