Women T20 World Cup 2023: દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ 26 ફેબ્રુઆરીએ રમાશે. આ ટાઈટલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે કેપટાઉનમાં રમાશે. દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. બીજી તરફ કાંગારૂ ટીમ રેકોર્ડ સાતમી વખત ફાઈનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાના નામે સૌથી વધુ 5 વખત ખિતાબ જીતવાનો રેકોર્ડ છે. રવિવારે રમાનારી મેચમાં જ્યાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બનવા માટે સંઘર્ષ કરશે ત્યાં ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ફાઇનલમાં કબજો કરવા માંગશે. ચાલો આ ફાઈનલ મેચ પહેલા બંને ટીમોના T20 રેકોર્ડ વિશે જણાવીએ.






ઓસ્ટ્રેલિયાનો જબરદસ્ત રેકોર્ડ


સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ટી20 રેકોર્ડ ઘણો મજબૂત છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 6 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયન ટીમ આ તમામ મેચ જીતવામાં સફળ રહી હતી. હાલમાં જ આ વર્લ્ડ કપમાં રમાયેલી મેચમાં કાંગારૂ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાનો આ મજબૂત રેકોર્ડ દર્શાવે છે કે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો રસ્તો સરળ નહીં હોય.


વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અજેય


ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યાર સુધી અજેય છે. આ દરમિયાન કાંગારૂ ટીમે શાનદાર પ્રદર્શન કરીને તમામ ટીમોને હરાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 97 રને, બાંગ્લાદેશને 8 વિકેટે, શ્રીલંકાને 10 વિકેટથી અને દક્ષિણ આફ્રિકાને 10 વિકેટથી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે પ્રથમ સેમિફાઈનલમાં તે ભારતને 5 રને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી.


બીજી તરફ દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમનું પ્રદર્શન સરેરાશ રહ્યું હતું. દક્ષિણ આફ્રિકાની ટીમે તેની ચાર ગ્રુપ મેચોમાંથી 2 જીતી અને 2માં હાર મળી હતી. સારા નેટ રન રેટના આધારે તે સેમિફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહી હતી. દક્ષિણ આફ્રિકાએ ગ્રુપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશને હરાવ્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 24 ફેબ્રુઆરીએ રમાયેલી બીજી સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમે જોરદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.