Palestine Flag At Eden Gardens: આ દિવસોમાં પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયેલ તરફથી હુમલાઓ સતત ચાલુ છે. દરમિયાન, ભારતમાં રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ 2023માં પેલેસ્ટાઈનને કોલકાતાના ઈડન ગાર્ડનમાંથી ફ્લેગ દ્વારા સમર્થન મળતું જોવા મળ્યું હતું. વર્લ્ડ કપ 2023ની 31મી મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ઈડન ગાર્ડનમાં રમાઈ હતી.


મંગળવારે ઈડન ગાર્ડન્સ ખાતે પાકિસ્તાન-બાંગ્લાદેશ વર્લ્ડ કપ ક્રિકેટ મેચ દરમિયાન પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવવા બદલ પોલીસે ચાર લોકોની અટકાયત કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે "પ્રારંભિક પૂછપરછ પછી ચારેયને છોડી મુકવામાં આવ્યા હતા. આ તમામ બેલી, ઇકબાલપોર અને કારાયા પીએસ વિસ્તારના રહેવાસી છે.






પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચ જોવા આવેલા દર્શકો સ્ટેન્ડમાં પેલેસ્ટાઈનના ધ્વજ સાથે જોવા મળ્યા હતા. સ્ટેન્ડમાં પેલેસ્ટાઈનના ધ્વજ સાથે દર્શકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પેલેસ્ટાઈનને હવે દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે. વાયરલ વીડિયો મેચ દરમિયાનનો છે. આ પહેલા બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે 28 ઓક્ટોબરે ઈડન ગાર્ડનમાં મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયા ઈડન ગાર્ડનમાં જ રવિવાર, 05 નવેમ્બરે શ્રીલંકા સામે મેચ રમશે.


પાકિસ્તાનનો દબદબો જોવા મળ્યો હતો


પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી મેચની વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાની બોલરોએ તેમના નિર્ણયને ખોટો સાબિત કરી બાંગ્લાદેશને 45.1 ઓવરમાં 204 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી અને ટીમે પહેલી જ ઓવરમાં એક વિકેટ ગુમાવી દીધી હતી.


આ પછી બાંગ્લાદેશને ત્રીજી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ છઠ્ઠી ઓવરમાં ટીમની ત્રીજી વિકેટ પડી. આ રીતે બાંગ્લાદેશ એક પછી એક વિકેટ ગુમાવતું રહ્યું હતું. મિડલ ઓર્ડર બેટ્સમેન મહમુદુલ્લાહે ટીમ માટે 56 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી.


જ્યારે પાકિસ્તાન બોલિંગમાં ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું હતું. ટીમ માટે ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને વસીમ જુનિયરે સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય હરિસ રઉફે 2 વિકેટ લીધી હતી. જ્યારે ઈફ્તિખાર અહેમદ અને ઉસામા મીરને 1-1 સફળતા મળી હતી.